Western Times News

Gujarati News

ગોધરામાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહીમામ

AI Image

ઓવરબ્રિજ કામગીરીમાં વેગ લાવવાની માંગ સાથે મુખ્ય માર્ગો પર ગરમ કપડાંની હાટડીઓ સામે કાર્યવાહી કરવાની જનમાંગ ઉઠી

ગોધરા, ગોધરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા તીવ્ર બની રહી છે. ખાસ કરીને મુખ્ય માર્ગો પર વધતી વાહનવ્યવહારની અવરજવર અને અનિયમિત ર્પાકિંગને કારણે નાગરિકો અવારનવાર ટ્રાફિકજામનો સામનો કરી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં હવે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે. શહેરમાં ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે માટે નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માગ ઉઠાવી છે.

ગતરોજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચર્ચ સર્કલથી લઈ અમૂલ પાર્લર સુધીના વિસ્તૃત વિસ્તારમાં ચાલી રહેલી ઓવરબ્રિજ કામગીરીને ગતિ આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ વાહનચાલકોને સરળ અવરજવર માટે માર્ગ વ્યવસ્થામાં કેટલીક કાળજી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર દુકાનદારો અને મકાનમાલિકો ની બેદરકારીને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

માહિતી મુજબ, ગરમ કપડાંની મોસમ શરૂ થતાં શહેરના પાંજરાપોળથી લઈ બસ સ્ટેશન તરફ જતા માર્ગ તથા પ્રભા રોડ પર ના મુખ્ય વિસ્તારોમાં સ્વેટર અને શિયાળુ કપડાં વેચનારાઓ ની હાટડીઓ ઉભી થઈ ગઈ છે. ઘણા પોતાની દુકાનદારો અને મકાનોની આગળ જ પથારા મારતા હોવાના કારણે રોડનો અડધો ભાગ અવરોધાય જાય છે. એ ઉપરાંત ગ્રાહકો ખરીદી માટે આવતા હોય ત્યારે પોતાના બે-ચાર ચાકડી વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેતા હોવાથી ભારે ટ્રાફિક જામી જાય છે.

એવા સંજોગોમાં સામાન્ય વાહનચાલકો અને સ્કૂલ કોલેજ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વખત એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી વાહનોને પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસે સમયાંતરે આવા ગેરકાયદેસર રોડ ઉપર દબાણ કરી ટ્રાફિકને અવરોધતી દુકાનો ઉપર કડક કાર્યવાહી કરવી જરૂરી અને ઈચ્છનીય જણાઈ રહી છે.

સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર જ્યારે ઓવરબ્રિજ જેવી મહત્વની કામગીરી ઝડપભેર આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર આવા અનધિકૃત હાટડીઓ અને દુકાનો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ.

દિવસ દરમિયાન અને રાત્રિના સમયે ભારે ટ્રાફિકના કારણે દુકાનો આગળ રોડ પર ગરમ કપડાંના સેલના પથારા ઉભા રાખનારા વેપારીઓને ચેતવણી આપી યોગ્ય દંડ ફટકારવો જોઈએ જેથી શહેરી ટ્રાફિક વ્યવસ્થા સુધરે.નાગરિકોમાં આ બાબતને લઈને ચર્ચા ગરમાઈ છે કે એક તરફ વહીવટી તંત્ર શહેરના વિકાસ માટે રાતદિવસ મહેનત કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ થોડાક વ્યાપારીઓ પોતાના આથિક ફાયદા માટે શહેરની ટ્રાફિક વ્યવસ્થાને ખોરવી રહ્યા છે.

આથી શહેરના જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી આવા પથારા દૂર કરાવવામાં આવે અને ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને રાહત મળે તેવી સર્વત્ર માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.