ધો.૯ પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂ.૮ લાખ ગુમાવવા પડયા
રાજકોટ, શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નં.એ-૧૭માં રહેતાં અને ટેમ્પો ચલાવતાં ધો.૯ પાસ સાજીદ મંગાભાઈ પઠાણ (ઉ.વ.રપ)ને પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરી અપાવી દેવાના બહાને ગઠીયા મનહર રવજી ત્રાડા ઉર્ફે મયુર પટેલે (રહે. અગાઉ નાગેશ્વર સોસાયટી શેરી નં.૩, જામનગર રોડ) રૂ.૮ લાખ પડાવી ઠગાઈ કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસને સાજીદે જણાવ્યું કે તે ભલે ઓછું ભણ્યો છે પરંતુ તેને સરકારી નોકરીની ખૂબજ ઈચ્છા હોવાથી પિતા મારફત બાબુ લઢેરના સંપર્કમાં આવ્યો હતો. જેણે કહ્યું કે મારો એક મિત્ર છે. જેણે ઘણાં છોકરાઓને સરકારી નોકરી અપાવી છે.
હમણાં ખાનગી રીતે ભરતી થવાની છે. તારે આ સીટમાં ભરતી થવું હોય તો મારા તે મિત્રનો કોન્ટેકટ કરાવી આપું. તેણે હા પાડતાં મયુર પટેલ નામ ધારણ કરનાર ગઠીયાનો કોન્ટેકટ કરાવ્યો હતો. જેણે તેને ત્રણ સિંહના મ્હોરાવાળું આઈકાર્ડ બતાવી કહ્યું કે હમણાં પોલીસની ભરતી થવાની છે. તારી ઈચ્છા હોય તો તું મને રૂ.૬૦ હજાર આપ. એટલે હું તારી સીટ બુક કરાવી દઉ.
બે-ત્રણ દિવસ પછી તેને રૂ.૬૦ હજાર આપ્યા હતા. તેના બે-ત્રણ દિવસ બાદ ફરીથી કોલ કરી કહ્યું કે ગાંધીનગર તારી નોકરીની સીટ પાકી કરવા વધુ રૂ.૩ લાખ આપવા પડશે. જેથી તે રકમ પણ આપી દીધી હતી. તેના થોડા સમય બાદ ફરીથી કોલ કરી કહ્યું કે હથિયારધારી પોલીસમાં નોકરી કરવી હોય તો રૂ.૩ર,૭૦૦ ભરવા પડશે. તેણે હા પાડી તે રકમ પણ આપી દીધી હતી.
ત્યાર પછી ફરીથી કોલ કરી કહ્યું કે રૂ.૩ર,૭૦૦ નહીં રૂ.૧.૩ર લાખ આપવાના હતા. જેથી વધુ રૂ.૧ લાખ આપ્યા હતા. તેના થોડા દિવસ બાદ તેને કોલ કરી કહ્યું કે બે છોકરા આ નોકરીમાં વચ્ચે આવે છે અને કહે છે કે અમને કાંઈક આપો નહીંતર અમે આ નોકરીમાં આડા પડશું. આ રકમ આપવા પણ તૈયાર થઈ જઈ વધુ રૂ.૧.પ૦ લાખ આપ્યા હતા.
આ પછી વધુ રૂ.પ૦ હજાર આપતાં મયુર પટેલે કહ્યું કે તારે જૂનાગઢ ટ્રેનિંગમાં જવાનું છે.ગત મે મહિનામાં ટ્રેનિંગની તારીખ જતી રહેતાં તેણે નોકરી બાબતે પૂછતાં કહ્યું કે વારંવાર ફોન કરવો નહીં, મળવા પણ આવવું નહીં. જેને કારણે શંકા જતાં તપાસ કરી હતી. તે વખતે જાણવા મળ્યું કે મયુરનું સાચું નામ મનહર રવજી ત્રાડા છે અને તે નાગેશ્વર સોસાયટી-૩માં રહે છે.
હવે મકાન ખાલી કરી જતો રહ્યો છે. આ રીતે અત્યાર સુધી તેની પાસેથી કટકે-કટકે રૂ.૭.૯૭ લાખ લીધા હતા. જેથી આખરે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.SS1MS
