BJP-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ
File Photo
એનડીએની જીત બાદ બિહારમાં સરકાર બનાવવાની કવાયત તેજ
(એજન્સી)પટણા, બિહાર વિધાનસભામાં ભવ્ય વિજય બાદ હવે NDAમાં સરકાર ગઠનને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર એનડીએમાં મંત્રીમંડળને લઈને સહમતી લગભગ થઈ ગઈ છે.
જેમાં જેડીયુમાંથી ૧૪, ભારતીય જનતા પાર્ટીમાંથી ૧૫થી ૧૬, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસમાંથી ૩ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એક એક નેતાને મંત્રીપદ અપાઈ શકે છે.
બીજી તરફ નીતિશ કુમારના નિવાસસ્થાને પણ નવી સરકાર મુદ્દે એક બાદ એક બેઠકોનો દોર ચાલુ છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા પહોંચ્યા. મંત્રી વિજેન્દ્ર યાદવે પણ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી.
અગાઉ ચિરાગ પાસવાન પણ નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર ત્રણ-ચાર દિવસમાં નવી સરકારની શપથવિધિ યોજાઈ શકે છે. જોકે તે પહેલા ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડ દ્વારા ધારાસભ્ય દળની બેઠક કરાશે.
જે બાદ NDAના તમામ ધારાસભ્યોની પણ એક બેઠક યોજાશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમતી મળી છે.
૨૪૩ વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને ૮૯, જેડીયુને ૮૫, એલજેપી રામવિલાસને ૧૯, હમને ૫, આરએલએમને ૪ બેઠકો પર જીત હાંસલ થઈ. આમ એનડીએએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી. વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત એનડીએએ ૨૦૦નો આંકડો પાર કર્યો. અગાઉ ૨૦૧૦માં પણ એનડીએએ ૨૦૬ બેઠકો મળી હતી.
