કેન્દ્ર સરકારને રાહતઃ સુપ્રીમ કોર્ટે SC/ST સુધારા ધારાને આપી મંજૂરી
નવી દિલ્હી, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સંશોધન કાયદો ૨૦૧૮ (SC/ST)ની માન્યતાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કર્યું કે આ કાયદા હેઠળ ધરપકડ પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારના મામલામાં એફઆઈઆર નોંધતા પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી લેવાની અનિવાર્ય નથી. બીજી તરફ કોર્ટે એમ પણ કહ્યું કે પોતાની વિરુદ્ધ એફઆઈઆર રદ કરવા માટે આરોપી વ્યક્તિ કોર્ટની શરણમાં જઈ શકે છે.
મોદી સરકારે વર્ષ ૨૦૧૮માં એસસી/એસટી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત સરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટની બેન્ચે આ સંશોધનોને બરકરાર રાખતાં એમ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના મામલાઓમાં એફઆઈઆર નોંધતાં પહેલા કોઈ ઓથોરિટીથી મંજૂરી લેવાની પણ જરૂર નથીઆ પહેલા સુપ્રીમ કોર્ટે ૨૦ માર્ચ ૨૦૧૮માં પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એસસી-એસટી એક્ટ હેઠળ તપાસ વિના ધરપકડ ન થઈ શકે. આ એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા, ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે આ કાયદામાં અનેક સંશોધન કર્યા હતા.