ભારત પોતાની જ ધરતી પર સ્પિનર્સ સામે શરણે થઈ ગયું
કોલકાતા, સ્પિન બોલિંગ સામે રમવામાં મહારથ હોવાનો ઇતિહાસ ધરાવતા ભારતે અહીંના ઇડાન ગાર્ડન્સ ખાતે સ્પિનર્સને મદદરૂપ પિચ બનાવી અને તેની પોતાની યોજનામાં જ તે ફસાઈ ગયું કેમ કે તેની યોજના ઉંધી વાળીને સાઉથ આફ્રિકાના સ્પિનર્સે વેધક બોલિંગ કરીને ભારતને ૩૦ રનથી હરાવી દીધું હતું.
અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં અપેક્ષાથી વિપરીત પરિણામ આવ્યું હતું જ્યાં બંને ઇનિંગ્સમાં ભારતીય બોલર્સ કામયાબ રહ્યા હતા પરંતુ બેટિંગની વાત આવી તો તેના બેટર્સ પ્રવાસી સ્પિનર્સને શરણે થઈ ગયા હતા.અહીંના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ તેના ત્રીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી.
એક તરફ ભારતે પ્રથમ દાવમાં ૩૦ રનની સરસાઈ મેળવી હતી પરંતુ અંતે બીજા દાવમાં તે ટારગેટથી બરાબર ૩૦ રન દૂર રહી ગયું હતું. સાઉથ આફ્રિકાના સિમોન હાર્મર અને કેશવ મહારાજે મળીને ભારતની બીજા દાવની નવ (ગિલ ઇજાગ્રસ્ત)માંથી છ વિકેટ ઝડપી લીધી હતી. બાકીની બે વિકેટ ખેરવનારા માર્કાે યાનસેને પણ આ મેચમાં પ્રભાવશાળી બોલિંગ કરી હતી.
હાર્મરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બે ટેસ્ટની સિરીઝમાં બીજી ટેસ્ટ ૨૨મીથી ગુવાહાટીમાં રમાશે ત્યારે સાઉથ આફ્રિકા ૧-૦ની સરસાઈ સાથે રમશે.
સાઉથ આફ્રિકાના પ્રથમ દાવના ૧૫૯ રનના સ્કોર સામે ભારતે ૧૮૯ રન ફટકારીને ૩૦ રનની સરસાઈ મેળવી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકાએ રવિવારે ત્રીજા દિવસે સવારે સાત વિકેટે ૯૩ રનના સ્કોરથી તેનો બીજો દાવ આગળ ઘપાવ્યો હતો અને કેપ્ટન ટેમ્બા બાવુમાની લડાયક અડધી સદીની મદદથી ૧૫૩ રનનો સ્કોર રજૂ કર્યાે હતો.
આમ ભારતને જીતવા માટે ૧૨૪ રનનો સામાન્ય કહી શકાય તેવો ટારગેટ મળ્યો હતો. જોકે ભારતનો ધબડકો થયો હતો અને ૯૩ રન સુધીમાં તેની ઇનિંગ્સ સમેટાઈ ગઈ હતી.ભારત માટે ઇજાગ્રસ્ત કેપ્ટન શુભમન ગિલ બીજી ઇનિંગ્સમાં રમી શક્યો ન હતો જેનાથી સાઉથ આફ્રિકન બોલર્સને રાહત મળી હશે કેમ કે તેમને નવ વિકેટ ખેરવવાની આવી હતી.
જોકે ભારતની બેટિંગ નિરાશાજનક રહી હતી. સ્પિન બોલિંગ સામે રમવા માટે પંકાયેલા યશસ્વી જયસ્વાલ (૦૦), કે એલ રાહુલ )૧) કે રિશભ પંત (૨) સદંતર નિષ્ફળ રહ્યા હતા.
તેમની વિકેટો પડવાથી પ્રવાસી ટીમ વધારે ઉત્સાહમાં આવી ગઈ હતી. ભારત માટે વોશિંગ્ટન સુંદરે લડાયક બેટિંગ કરીને ૯૨ બોલમાં ૩૧ રન ફટકાર્યા હતા જે ટીમનો સર્વાેચ્ચ સ્કોર બની રહ્યો હતો તો રવીન્દ્ર જાડેજાએ ૧૮ અને અક્ષર પટેલે ૧૭ બોલમાં બે સિક્સર સાથે ૨૬ રન ફટકાર્યા હતા.
સિમોન હાર્મર ૧૪ ઓવરમાં ૨૧ રન આપીને ચાર વિકેટ ઝડપી ચૂક્યો હતો તો કેશવ મહારાજે ૩૭ અને માર્કાે યાનસેને ૧૫ રન આપીને બે બે વિકેટ લીધી હતી. અગાઉ સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ૯૧ રનથી તેનો બીજો દાવ આગળ ધપાવ્યો ત્યારે તેની પાસેથી વધુ અપેક્ષા ન હતી પરંતુ ટેમ્બા બાવુમાએ આ મેચની એક માત્ર અડધી સદી નોંધાવતાં ૧૩૬ બોલમાં અણનમ ૫૫ રન ફટકાર્યા હતા તો માર્કાે યાનસેને તેને ટેકો આપતી ૧૩ રનની ઇનિંગ્સ રમી હતી.
ભારત માટે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લેનારો બુમરાહ આ ઇનિંગ્સમાં એક વિકેટ લઈ શક્યો હતો પરંતુ રવીન્દ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી તો સિરાઝે પણ બે વિકેટ લીધી હતી. તાજેતરના સમયમાં ભારત તેના ઘરઆંગણે પણ સ્પિનર્સ સામે યોગ્ય રમત દાખવી શકતું નથી.SS1MS
