Western Times News

Gujarati News

AMCની તમામ મિલકતોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવામાં આવશે

(પ્રતિનિધિ અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ૧૭ નવેમ્બરના રોજ મળેલી વોટર સપ્લાય કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ૧૨૩૦ જેટલી મિલકતોમાં રૂ. ૨૩.૬૩ કરોડના ખર્ચે સિસ્ટમ નાખવાના કારણે વરસાદી પાણી વેડફાશે નહીં. આ સિસ્ટમના કારણે વરસાદી પાણી મિલકતોમાં ઉપયોગમાં લેવામાં આવશે.

વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની વિવિધ ઈમારતોના રૂફટોપ પર ભરાતા વરસાદી પાણીનો કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત જળસંચય કરવા ૧૨૩૦ ઇમારતો ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. રૂ. ૨૩.૬૩ કરોડ રૂપિયાના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે આ કામગીરી સોંપવામાં આવી છે.

કોર્પોરેશનની મિલકતો માં ધાબા પર જે વરસાદી પાણી ભરાય અને તેનો સંગ્રહ થાય તેના માટેની સિસ્ટમ નાખવામાં આવશે. આ સિસ્ટમ નાખવાના કારણે વરસાદી પાણીનો સંગ્રહ કોર્પોરેશનની મિલકતોની પાણીની ટાંકીમાં થશે અને તેનો ઉપયોગ થઈ શકશે.

ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો જળસંચય કરવા કેચ ધ રેન અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સમગ્ર શહેરના તમામ ઝોનમાં આવેલી ઝોન ઓફિસો, વોર્ડ ઓફિસો, હોસ્પિટલ મ્યુનિસિપલ શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર, લાઇબ્રેરીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન તેમજ અન્ય વિવિધ ઇમારતોના રૂફટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણી બચાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.