હાર્દિક 20 દિવસથી ઘરે નથી આવ્યાં, તેમના જીવને જોખમ છે : કિંજલ પટેલ
અમદાવાદ, ગુજરાત પાટીદાર અનામત આંદોલન ના નેતાઓ ફરી સક્રિય થયા છે. તેમણે સાથે મળીને 2015 જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદનાં વસ્ત્રાલ પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં બેઠક મળી હતી. પાસની ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા,ગીતા પટેલ,મનોજ પનારા, જયેશ પટેલ, દિનેશ બમભણીયા,નિખિલ સવાણી,ધાર્મિક માલવીય,બ્રિજેશ પટેલ, સહિતના તમામ કન્વીનર તથા કૉંગ્રેસનાં હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ હાજર રહ્યાં હતાં. હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો પર કેસ થયા છે અને તારીખ પર તારીખ ભરી રહ્યા છે ઉપરાંત એક પછી એક કેસ ખુલી રહ્યા છે. ત્યારે પાસ નેતાઓ દ્વારા ફરી આંદોલન કરવાનું રણસિંગુ ફૂંકાયુ છે. બેઠકમાં આગામી કાર્યક્રમની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ બેઠકમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ‘તમામ જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપીશું અને ત્યાર બાદ આંદોલન સમયે મધ્યસ્થી બનેલા સંસ્થાનાં અગેવાનને મળીને કેસ પાછા ખેંચાય તે માટે સરકારને રજુઆત કરે. અને સંસ્થાનાં આગેવાન સરકારને રજૂઆત કરે. ત્યાર બાદ પણ સરકાર હકાત્મક વલણ નહિં રાખે તો 2015 જેવું આંદોલન ફરીથી કરીશું.’