Western Times News

Gujarati News

અહેમદ મોહિયુદ્દીન સૈયદને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયોઃ જેલમાં કોણે કર્યો હુમલો?

Files Photo

સાબરમતી જેલમાં બંધ અહેમદ મોહિયુદ્દીન સૈયદ પર જેલ પરિસરમાં 3 કેદીએ અચાનક હુમલો કર્યો

જેલ સત્તાવાળાએ ઇજાગ્રસ્ત સૈયદને સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્‌યો હતો.-સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો -એટીએસ અને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી

(એજન્સી)અમદાવાદ, નવનિર્મિત સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ એક આતંકવાદી કેસના આરોપી પર સોમવારે ત્રણ કેદીએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીને તેને ઈજા પણ થઈ છે. હાઇ સિક્યોરિટી જેલમાં બનેલી આ ઘટના બાદ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ અને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, આતંકવાદ સંબંધિત કેસમાં જેલમાં બંધ અહેમદ મોહિયુદ્દીન સૈયદ પર જેલ પરિસરમાં ત્રણ કેદીએ અચાનક હુમલો કર્યો હતો. જો કે, આ હુમલા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના જવાનો સહિતની ટીમ તાત્કાલિક જેલ પર પહોંચી હતી. બીજી તરફ, જેલ સત્તાવાળાએ ઇજાગ્રસ્ત સૈયદને સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્‌યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સૈયદને આંખ, ચહેરા અને શરીરના અન્ય ભાગે ઇજા થઈ છે અને હાલ તે તબીબી દેખરેખ હેઠળ છે.

આ હુમલાને કારણે સાબરમતી જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓ, ગેરકાયદે રીતે મોબાઇલ ફોન અને સુરક્ષા ભંગના બનાવોને લઈને ઊંડી તપાસ થઈ ચૂકી છે.

આ ઘટનાની જાણ થતા રાણીપ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસે હુમલાખોરોની ઓળખ કરવાની સાથે આ હુમલો અંગત અદાવત છે કે જેલની અંદર કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે, તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મામલે તમામ સંભવિત એંગલથી તપાસ કરાઈ રહી છે. ભવિષ્યમાં આવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જેલમાં વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.