પ્રજાકિય કામોના બદલે નામની તકતીને મહત્વ આપતા અમદાવાદના કોર્પોરેટરો
AI Image
નરોડા વોર્ડના વૈશાલીબેન જોષી ર૦ર૪-રપના બજેટમાંથી રૂ.૧૮ લાખ અને રાજેન્દ્રસિંહ સોલંકી રૂ.૧૦ લાખ આવા કામ માટે ખર્ચ કરી રહયા છે.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના તમામ કોર્પોરેટરોને તેમના વોર્ડમાં પ્રજાકિય કામો માટે દર વર્ષે રૂ.૪૪ લાખનું બજેટ આપવામાં આવે છે. આ બજેટ મુળ આશ્રય કેપીટલ એકાઉન્ટમાંથી ખર્ચ ન થાય તેવા નાના કામો તાકીદે કરવાનો રહે છે.
પરંતુ કેટલાક કોર્પોરેટરો પ્રજાકિય કામો કરવાના બદલે તેમના નામની તકતી લગાવવામાં વધુ રસ દાખવી રહયા હોવાની વિગત બહાર આવી છે તેમના બજેટને વેડફી રહયા છે.
મ્યુનિ. કોર્પોરેટરો ચૂંટણીના વર્ષમાં પ્રજાના કામોને કોરાણે મુકી નામની તકતી લગાવવામાં વધુ રસ દાખવી રહયા હોય તેવી સ્થિતિ કેટલાક વોર્ડમાં જોવા મળી રહી છે. ઉત્તર ઝોનના નરોડા વોર્ડના ચાર કોર્પોરેટરોએ એક સાથે તેમના વાર્ષિક બજેટમાંથી રૂ.૩૬ લાખની માતબર રકમ માત્ર નામની તકતી લગાવવા માટે જ ખર્ચ કરી નાંખી છે
જેમાં ડેકોરેટીવ સર્કલ અને ગેજીબો બનાવવામાં આવી રહયા છે. નરોડા વોર્ડના વૈશાલીબેન જોષી ર૦ર૪-રપના બજેટમાંથી રૂ.૧૮ લાખ અને રાજેન્દ્રસિંહ સોલંકી રૂ.૧૦ લાખ આવા કામ માટે ખર્ચ કરી રહયા છે.
આ બે કોર્પોરેટરોએ ર૦ર૩-ર૪ના બજેટમાં પણ ડેકોરેટીવ સર્કલ બનાવવા માટે રૂ.૭-૭ લાખ ખર્ચ કર્યાં હતાં આમ છેલ્લા બે નાણાંકિય વર્ષમાં નરોડાના કોર્પોરેટર વૈશાલીબેન જોષીએ રૂ.રપ લાખ અને રાજેન્દ્ર સોલંકીએ રૂ.૧૭ લાખ પ્રજાકિય સુવિધાઓના બદલે પોતાના નામોની તકતી માટે ખર્ચ કર્યાં છે.
નરોડા વોર્ડમાં કાઉન્સિલર બજેટમાંથી મેવાડા પાર્ટી પ્લોટ પાસે રૂ.૬ લાખના ખર્ચથી જંકશન ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત ડમરુ સર્કલ માટે રૂ.૮ લાખ, સેલ્બી હોસ્પિટલ સર્કલ માટે રૂ.૮ લાખ, વિશ્વકર્મા સર્કલ માટે રૂ.૯ લાખ, રાજચંદ્ર સર્કલ માટે રૂ.૧૦ લાખ ખર્ચ થઈ રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી વર્ષ હોવાથી અમદાવાદ શહેરમાં ૪ર હજાર કરતા વધુ બાકડા ગલીએ ગલીએ મુકવામાં આવશે જેના માટે રૂ.પ.પ૦ કરોડ જેટલો ખર્ચ થશે. તેમાં પણ કાઉÂન્સલર દીઠ રૂ.૩ લાખની મર્યાદામાં બજેટ ફાળવવામાં આવશે.
આમ કેટલાક કાઉÂન્સલરોના બજેટનો મોટો હિસ્સો માત્ર પોતાના નામની તકતીઓ લગાવવા માટે ખર્ચ થઈ રહયો છે. આ બાબતે જે તે રાજકીય પાર્ટીના વડાઓએ આ કાઉÂન્સલરોને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે તેમજ બજેટ ક્યા કામો માટે વાપરવું જોઈએ તેની સમજ આપવી પણ જરૂરી બને છે.
