‘આપ’ હોય કે જાપ, પાટીદારો કોઈના જાસામાં ન આવે: નીતિનભાઈ પટેલ
file photo
પાટીદારો સુખી અને સમૃદ્ધ બાપ-દાદાઓના વારસાની જમીનના કારણે છે, એને સાચવજો: પટેલની પાટીદારોને સલાહ
ગાંધીનગર, થોડા દિવસો અગાઉ પોતે ઉત્તરમાંથી પૂર્વ થઈ ગયા તેમજ તમે ગમે એટલા સારા હોવ પણ તમારી આસપાસની ટોળી, સંબંધીઓ કે કુટુંબીજનોના કારણે પદ ગુમાવવું પડે તેમ એક સ્નેહમિલન સમારોહમાં નિવેદન આપનાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોમવારે કડી ખાતે યોજાયેલા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) ના સ્નેહમિલન સમારોહમાં ફરીથી એક અલગ પ્રકારનું નિવેદન આપતાં ફરીથી વંટોળ ઉભો થયો છે.
કડીના સમારોહમાં નીતિનભાઈએ જણાવ્યું કે, આપ હોય કે જાપ હોય, કોઈ ફેર પડતો નથી. પાટીદારો હંમેશા ભાજપ સાથે જ રહ્યા છે અને રહેવાના છે. ભાજપ સિવાય કોઈ વાત નથી. કોઈના જાસામાં આવવાનું નથી. તમને બધાને ખબર જ છે કે પાટીદારોએ જિંદગીમાં ભાજપ સિવાય કોઈને મત આપ્યો નથી. સાચી વાત છે ને ?
એમ પૂછતાં સભામાંથી હુંકારની તાળીઓ ગુંજી હતી, અહીં નોધવું જરૂરી છે કે, કડી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત થઈ છે અને આ બેઠક પર થોડા મહિના પૂર્વે યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝીટ જપ્ંત થઈ હતી. આ બેઠકની જવાબદારી નીતિનભાઈએ પોતે સંભાળતા હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ એવી પણ સલાહ આપી હતી કે, બાપ-દાદાઓના વારસા સમાન જમીનને સાચવજો, જમીનના કારણે પાટીદાર સમાજ સુખી અને સમૃદ્ધ છે.
તેમણે યાદ અપાવ્યું કે, હાલ તમે લાખોપતિ થયા છો એની પાછળ બાપ-દાદાના વારસાની જમીનો છે. આ જમીનોની કિંમત સ્વ. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિર્ણય અને પછી ભાજપ સરકારોની નીતિઓના કારણે ખેતીની જમીનોની કિંમત વધી છે. પરંતુ હવે આ જમીનનો વારસો સાચવવા તેમણે અપીલ કરી હતી.
અહીં નોંધવું જરૂરી છે કે, ર૦૧૬માં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના આંદોલન વેળા એસપીજી દ્વારા પાટીદાર સમાજમાં આર્થિક રીતે નબળાં પરિવારો માટે અનામત આપવાની માગણીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. એ પછી ઉભા થયેલા સામાજિક આંદોલનોએ ભાજપને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં મોટો ફટકો પડ્યો હતો.
