Western Times News

Gujarati News

૮ મહિનાથી ગર્ભવતી ભારતીય મહિલા અને બાળકનું મોત

સિડની, ઓસ્ટ્રેલિયાના સિડનીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક કાર અકસ્માતમાં ભારતીય મૂળની ૩૩ વર્ષીય સગર્ભા મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી છે.

એક અહેવાલ મુજબ, ૩૩ વર્ષીય સમન્વયા ધારેશ્વર, જેઓ આઠ મહિનાના ગર્ભવતી હતા, તે શુક્રવારે સિડનીના હોર્ન્સબી ઉપનગરમાં પોતાના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે પગપાળા જઈ રહ્યા હતા.

આ દરમિયાન, એક ‘કિયા કાર્નિવલ’ કાર તેમને રસ્તો ઓળંગવા દેવા માટે ધીમી પડી.તે જ સમયે, ૧૯ વર્ષીય એરોન પાપાજોગ્લુ દ્વારા ચલાવવામાં આવી રહેલી એક બીએમડબલ્યુ સેડાન કારે કથિત રીતે પાછળથી ‘કિયા’ને ટક્કર મારી.

આ જોરદાર ટક્કરને કારણે ‘કિયા’ કાર આગળની તરફ ઉછળી અને સીધી સમન્વયા સાથે અથડાઈ.અકસ્માત બાદ તરત જ ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પેરામેડિક્સે ઘટનાસ્થળે જ સમન્વયાની સારવાર કરી અને ત્યારબાદ તેને વેસ્ટમીડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પરંતુ, તમામ પ્રયાસો છતાં ડોક્ટરો સમન્વયા અને તેના અજાત બાળક, બંનેમાંથી કોઈને પણ બચાવી શક્યા નહીં.આ દુર્ઘટનાએ એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે.

સમન્વયા માત્ર થોડા અઠવાડિયામાં જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની હતી. ઓસ્ટ્રેલિયન પોલીસ આ મામલે ૧૯ વર્ષીય બીએમડબલ્યુ ચાલક વિરુદ્ધ તપાસ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.