ડોક્ટર સાયબર ઠગાઈનો ભોગ બન્યાઃ શેરબજારમાં રોકાણની લાલચે રૂ.ર.૧૬ લાખની ઠગાઈ
પ્રતિકાત્મક
તલોદ, વડાલીના તબીબ સાથે ઓનલાઈન ટ્રેડિંગના નામે રૂ.ર લાખ ૧૬ હજારની ઠગાઈ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભોગ બનનાર ડોકટર સાથે આ છેતરપિંડી ‘સલમાન મેમણ ટ્રેડર્સ (હલાલ વર્કસ) નામના ટેલિગ્રામ ગ્રુપ થકી કરવામાં આવી હતી ઠગબાજે આ ગ્રુપના માધ્યમથી ડોકટરને ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહીને નાના-મોટા ટ્રાન્ઝેકશન દ્વારા ઓનલાઈન રૂપિયા મંગાવ્યા હતા.
ધરોઈ રોડ પર તકવા કોલોની પાસે શમા હોસ્પિટલ ચલાવતા ડો. અલ્તાફહુસૈન અબ્દુલરહેમાન મેમણને પાંચ નવેમ્બરે ‘સલમાન મેમણ ટ્રેડર્સ (હલાલ વર્કસ) નામના ટેલિગ્રામ ગ્રુપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ગ્રુપ શેરબજાર અને આઈ.પી.ઓ.માં ઉંચા નફાના આકર્ષક મેસેજ મોકલી લોકોને રોકાણ કરવા પ્રેરતું હતું.
ગ્રુપ દ્વારા મોકલાયેલી લિંક પર ક્લિક કરતાં ડોકટરનો સંપર્ક એક વ્યકિત સાથે થયો જેનો નંબર હતો આ વ્યકિતએ ડોકટરને માત્ર રૂ.૩૦ હજારના રોકાણ પર ર૪ કલાકમાં રૂ.૪૦ હજાર પરત મળવાનું આશ્વાસન આપ્યું હતું. વિશ્વાસમાં આવીને ડોકટરે પોતાના બેંક ઓફ બરોડા ખાતામાંથી તે રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ ઠગબાજોએ ‘વિડ્રો ચાર્જ’ અને સિસ્ટમ ટ્રાન્ઝેકશન ફીના બહાને વારંવાર પૈસાની માંગણી કરી ડોકટરે એચ.ડી.એફ.સી. બેંક, ફોન-પે અને ગૂગલ-પે મારફતે રૂ.પર,ર૦૦, રૂ.૧૦૦૦૦, રૂ.૬ર,ર૦૦ અને રૂ.૧ર,ર૦૦ સહિત કુલ રૂ.ર.૧૬ લાખ ટ્રાન્સફર કર્યા હતા.
એક સપ્તાહ વિતી ગયા પછી ડોકટરને ન તો નફો મળ્યો કે ન તો તેમનું મૂળ રોકાણ પરત આવ્યું. આખરે ઠગ વોટસએપ અને ફોન બંને પરથી ગાયબ થઈ જતાં ડોકટરને છેતરપિંડીનો અહેસાસ થયો. આ રીતે ડોકટર પાસેથી કુલ રૂ.ર,૧૬૦૦૦૦ કરતા વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.
પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં ભોગ બનનાર તબીબે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને ટેલિગ્રામ ગ્રૂપ અને ઓનલાઈન ટ્રાન્ઝેકશનના આધારે ઠગબાજોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
