નિવૃત્ત IPS અધિકારીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ કલાસ માટે 25 લાખ આપ્યા
દહેગામ તાલુકાના રબારી સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે શૈક્ષણિક સંકુલ ઉભું થશે
ગાંધીનગર, દહેગામના રબારી સમાજે શિક્ષણ માટે અનોખી એક પહેલ કરી છે. સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે અને સમયની સાથે તાલ મિલાવી શકે તે માટે કોચિંગ કલાસ શરૂ કરવાના અને શિક્ષણ પ્રત્યે તેમનો ભાવ જાગે તે માટેના આયોજન કરવામાં અને સમાજ શિક્ષિત સંપન્ન અને સંગઠિત બને તેવા એક લક્ષ સાથે રબારી સમાજની એક મીટીંગ જાગ ખાતે વડવાળા રામજી મંદિર ખાતે યોજાઈ ગઈ હતી.
જેની અંદર પરમ પૂજય ધર્મ ધુરંધર ગણેશદાસજી બાપુએ વિચારને વધાવી આર્શીવાદ સાથે સૌને સહકાર આપવા પહેલ કરી હતી. આ મીટીંગ ૩ નવેમ્બરના રોજ ઝાક ખાતે તેમના સાનિધ્યમાં રબારી સમાજના વિવિધ આગેવાનો નાગરિકો યુવાનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાઈ હતી.
આજનો સમય એ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રહેલો છે ત્યારે રબારી સમાજના વિદ્યાર્થીઓ પણ શિક્ષણમાં આગળ વધે અને સમાજને શિક્ષિત સંપન્ન અને સંગઠિત બને તે માટે એક ઐતિહાસિક પહેલ થઈ હતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ કલાસનો અંદાજિત ખર્ચ રપ લાખ જે નિવૃત્ત આઈપીએસ અધિકારી વી.વી. રબારીએ ઉઠાવતા સૌએ હર્ષભેર વધાવી લીધો હતો.
સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની જગ્યાની જરૂરિયાત ઉભી થતા દહેગામના પત્રકાર અમૃતભાઈ દેસાઈએ અશ્વમેઘ કોમ્પલેક્ષમાં ૬૦૦૦ સ્કવેર ફુટનો એક વિશાળ હોલ રબારી સમાજના વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી.
દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિએ આગામી સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને સર્વાંગી શિક્ષણ એક જ સ્થળે ઉપલબ્ધ બને તે માટે એક આધુનિક ભવન આરઈસીટી દહેગામ ખાતે નિર્માણ કરવાનું પણ જણાવ્યું હતું.
