મહિલા અધિકારીને ઘેરી લઇ રેતી ભરેલું ડમ્પર છોડાવી જનાર ૬ શખ્સો ઝડપાયા
ગાંધીનગર , ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરનારા ભૂમાફિયા તત્વોની દાદાગીરી વકરી રહી હોય તેવો ચોંકાવનારો બનાવ ૧૦ નવેમ્બરના રોજ ગાંધીનગર-કલોલ હાઇવે પર બન્યો હતો.
ખાણ ખનીજ વિભાગના મહિલા અધિકારીને ઘેરી લઇ ધમકી આપી ગેરકાયદે રીતે રેતી ભરેલું ડમ્પર છોડાવી ગયા હોવાની ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે ૬ આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૩૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર મદદનીશ ભૂસ્તર વિભાગની કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા ૧૦ નવેમ્બરના રોજ તેમની ટીમ સાથે ગાંધીનગર-છત્રાલ હાઇવે પર રૂટિન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેમણે એસીયન ટ્યુબ્સ પ્રાઇવેટ લીમીટેડના ગેટ પાસે ૧૨ ટાયરનું ડમ્પર પકડ્યું હતું.
તપાસ કરતા ડમ્પરચાલક પાસે રોયલ્ટી પાસ કે આધાર પુરાવા ન હોવાથી ડમ્પરનું વજન કરાવતા ૪૩.૪૪ મેટ્રિક ટન સાદી રેતીનો જથ્થો મળી આવ્યો હતો.
રેતી ચોરી મુજબ ૩,૨૩,૨૧૨નો દંડ વસૂલવા તપાસ ટીમે ડમ્પરને કલેક્ટર કચેરી લઈ જવાની કાર્યવાહી શરૂ કરી ત્યારે કલોલ આંબેડકર ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉતર્યા બાદ બે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ડમ્પર ઊભું રખાવીને એક લાલ ટી-શર્ટ પહેરેલા શખ્સે સરકારી ગાડી પાસે આવી મહિલા અધિકારી સહિતની ટીમને ધમકાવી અપશબ્દો બોલી ડમ્પરને ભગાડી મૂક્યુ હતું.SS1MS
