પોક્સોના આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને ૧૪ હજારનો દંડ
ગાંધીનગર, ગાંધીનગર પોક્સો કોર્ટે એક ચૂકાદામાં પોક્સોના આરોપી હરેશકુમાર ઉર્ફે લાલભાઈ મોઘજીભાઈ ચૌધરીને ૨૦ વર્ષની કેદની સજા અને ૧૪ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે છે.
આ ઉપરાંત ભોગ બનનારને ૪ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યાે છે.કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૨૨ના જુલાઇ માસમાં પેથાપુર પોલીસ મથકમાં આરોપી હરેશકુમાર ઉર્ફે લાલભાઈ મોઘજીભાઈ ચૌધરી સામે પોક્સોની ફરિયાદ દાખલ થઇ હતી.
આરોપીએ ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન તેમજ જારકર્મ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો અને તેની મરજી વિરુધ્ધ બળજબરીથી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. તેવી ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ગાંધીનગર પોક્સો કોર્ટમાં ગુનાની ચાર્જશીટ કરી હતી.
આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે.એન. ઠક્કર સમક્ષ ચાલવા પર આવ્યો હતો. ત્યારે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપીએ ભોગ બનનાર બનાવ વખતે ૧૬ વર્ષ અને ૨૨ દિવસની વયની હતી. તે જાણવા છતાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી આવું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યુ હોવાથી આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ થવો જોઈએ. જેથી નવા ગુના કરતા લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે.
કોર્ટે ભોગ બનનાર તેમજ સાક્ષીઓની જુબાનીના આધારે આરોપી હરેશ ચૌધરીને અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનામાં દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા, ૧૪ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.SS1MS
