અમદાવાદમાં BU અને ફાયર NOC વિનાની હોસ્પિટલો સીલ કરવા આદેશ
AI Image
મ્યુનિ. કમિશનરની અધિકારીઓને સ્પષ્ટ સૂચના: ઓફિસર નહીં, નાગરિક બનીને વિચારો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરિકોને પા‹કગ મામલે ખુબ જ હાલાકી થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા બહુમાળી પાર્કિગ તૈયાર કરવામાં આવે છે પરંતુ નાગરિકોને તેના ખાલી સ્લોટ કે ભાડા વિશે કોઈ જ વિગત મળતી નથી. તે મામલે કમિશનરે ઈ ગવર્નન્સ વિભાગના ડેપ્યુટી કમિશનરનો ઉધડો લીધો હતો.
આ ઉપરાંત બીયુ તેમજ ફાયર એનઓસી વિના ચાલતી હોસ્પિટલોને સીલ કરવા પણ આદેશ કર્યો છે. મ્યુનિ. કમિશનરે તેમની દર સપ્તાહે મળતી રીવ્યુ બેઠકમાં નાગરિકોના હિત માટે અધિકારીઓને આડા હાથે લીધા હતા. તેમજ કહયું હતું કે એસી ગાડીમાંથી બહાર નીકળી સામાન્ય નાગરિકની જેમ ફરો તો ખ્યાલ આવશે કે સમસ્યા કેટલી છે.
આ બાબત તેમણે પા‹કગ અંગે થઈ રહેલી ચર્ચા દરમિયાન ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખને કહી હતી. મ્યુનિ. કોર્પોરેશનના બહુમાળી પાર્કિગમાં કેટલી જગ્યા ખાલી છે તે બાબતનું સોફટવેર માત્ર તંત્ર પાસે છે નાગરિકો પાસે આવી કોઈ હાથવગી માહિતી હોતી નથી તેથી તેમણે ડેપ્યુટી કમિશનરને આવા વેણ કહ્યા હતાં.
આ ઉપરાંત જે બિલ્ડિંગમાં ર૦ કે તેથી વધુ કોમર્શિયલ એકમો હોય તે બિલ્ડીંગમાં વેલે પા‹કગની સુવિધા કરવા પણ સુચના આપી હતી. કોમર્શિયલ એકમના વપરાશકર્તાઓએ તેમના ખર્ચે આ સુવિધા કરવાની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ શહેરની વર્ષો જુની હોસ્પિટલોમાં બીયુ પરમીશન ઉપલબ્ધ નથી તેથી કમિશનરે આવી હોસ્પિટલોને સીલ કરવા આદેશ આપ્યા છે આ ઉપરાંત ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનરને એસ્ટેટ વિભાગ સાથે રહીને આ અંગેની કામગીરી કરવા જણાવ્યું હતું.
અર્બન ડેવલપમેન્ટની કામગીરી અંગે માહિતી અપલોડ કરવામાં ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ સતત નિષ્ફળ સાબિત થઈ રહયા છે તેથી તેમનો પણ કમિશનરે ઉધડો લીધો હતો અને કહયું હતું કે તમે માત્ર ર૦ટકા કામગીરી કરી છે તો શું તમે પગાર પણ ર૦ ટકા મુજબ જ લેશો કે કેમ ? તેવો વેધક સવાલ પણ કર્યો હતો.
શહેરમાં રોડ- રસ્તાની કામગીરી માત્ર રાત્રિના સમયે જ થાય છે તેથી કમિશનરે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે જે રોડ પર દિવસ દરમિયાન વાહન વ્યવહારની અવરજવર ઓછી હોય તેવા રોડ પર દિવસ દરમિયાન પણ કામગીરી કરવી જરૂરી છે. આ ઉપરાંત ફાયર વોલયન્ટર્સની ભરતી કરવામાં આવે ત્યારે તેમના માટે એક ટ્રસ્ટ બનાવો અને તેમને પુરતી સુવિધા આપો તેવી સુચના પણ કમિશનરે આપી હતી.
