Western Times News

Gujarati News

જેલમાં વીઆઈપી સુવિધા અપાવીશઃ નકલી જેલરે પરિવારને ફોન કર્યો

લાજપોર જેલના જેલરના નામે ધમકી આપનાર ઈસનપુરમાંથી ઝડપાયો -અગાઉ છ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી હોવાનું ખૂલ્યું

(એજન્સી)અમદાવાદ, અડાજણ બ્લેકમેઈલિંગ કેસના આરોપીના પરિવારજનોને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપીને શખ્સે વીઆઈપી સુવિધા આપવાનું કહીને પૈસા માંગી તેમજ ધાકધમકીઓ આપી હતી.

આ સમગ્ર ઓડિયો રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે પરિવારજનોએ સુરતમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ઝોન ર એલસીબીએ બાતમીના આધારે નકલી જેલરને પકડી પાડીને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. જો કે, આરોપી વિરૂદ્ધમાં અગાઉ ૬ ફરિયાદો નોંધાયેલી છે અને તે અનેક વખત નકલી અધિકારી બનીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી ચૂકયો છે.

અડાજણ બ્લેકમેઈલિંગ કેસમાં સંડોવાયેલા શખ્સ હાલમાં લાજપોર જેલમાં સળિયા પાછળ છે ત્યારે એક શખ્સે આરોપીની સમગ્ર વિગતો મેળવીને તેના પરિવારજનોને ફોન કરીને લાજપોર જેલનો જેલર બોલું છું તેવી ઓળખ આપી હતી. આટલું જ નહીં લાજપોર જેલમાં આરોપીને વીઆઈપી સુવિધા આપવાનું તેમજ ધાકધમકીઓ આપીને પૈસાની માગણી કરી હતી.

આ અંગે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરીને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ સુરત પોલીસે ફોન કરનારની શોધખોળ કરી રહી હતી ત્યારે અમદાવાદના ઝોન-ર ડીસીપીની એલસીબી ટીમને બાતમી મળી કે, ઈસનપુરમાં રહેતાં રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદી અગાઉ પણ નકલી પોલીસ અને અન્ય ખાતાના અધિકારી તરીકે ઓળખ આપીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચૂકયો છે.

તેણે જ લાજપોર જેલર તરીકે ઓળખ આપીને પૈસા અને ધાકધમકીઓ આપી છે. આ બાદ એલસીબીની ટીમે વોચ ગોઠવીને રાજેશની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે જ લાજપોર જેલર તરીકે ફોન કર્યાનું સામે આવ્યું હતું. આરોપીને એલસીબીની ટીમે સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

ન્યૂઝ ચેનલ, ન્યૂઝ પેપર મારફતે સમગ્ર કેસની વિગતો રાજેશ મેળવતો હતો. જે બાદ રાજેશ કયાં કેસમાં કયો શખ્સ કંઈ જેલમાં ગયો છે તે જાણીને કેસ સંબંધિત પોલીસ સ્ટેશનનો નંબર જસ્ટ ડાયલમાંથી મેળવી લીધો હતો.

આ બાદ રાજેશ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આરોપીના વકીલ તરીકે ઓળખ આપીને સમગ્ર કેસની એફઆઈઆર સહિતની માહિતી વિગતવાર જાણી લેતો હતો. આ બાદ રાજેશ આરોપીના પરિવારનો નંબર મેળવીને ફોન કરીને જેલના જેલર તરીકે ઓળખ આપીને આરોપીને જેલમાં વીઆઈપી સુવિધા આપવાની અને પરિવારજનોને દર અઠવાડિયે બે કલાક મળવાની સગવડ આપવાની વાત કરીને પૈસા પડાવીને છેતરપિંડી આચરતો હતો.

આમ આ આરોપીની મોડસ ઓપરેન્ડી જાણીને તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ આરોપી સામે આ જ રીતે અમદાવાદ, ગાંધીનગરમાં પણ જુદા જુદા નામે પરિજનોને ફોન કરીને પૈસા પડાવવાના અને જો આનાકાની કરી તો પોલીસના નામે ધમકીઓ આપીને ગમે તે રીતે નાણાં ઓળવી લેવાનો કારસો ઘડી કાઢતો હતો અને મોટા ભાગે સફળ પણ થતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.