વિશ્વના ટોપ 100 ‘સાયકલ ફ્રેન્ડલી’ શહેરોમાં અમદાવાદનો સમાવેશ
પ્રતિકાત્મક
કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ 2025ના રિપોર્ટ
અમદાવાદ (પ્રતિનિધિ) :વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરોના મુલ્યાંકન માટે કામ કરતી અગ્રણી સંસ્થા કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ 2025 – EIT અર્બન મોબિલિટી એડિશને પોતાનો નવો રિપોર્ટ આ વર્ષે જાહેર કર્યો છે, જેમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વિશ્વના ટોપ 100 ‘સાયકલ ફ્રેન્ડલી’ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે. વિશ્વના શહેરોની પ્રાથમિક પસંદગી બાદ 100 શહેરોની ગ્લોબલ યાદી તૈયાર કરવામાં આવી હતી,
જેમાં અમદાવાદનો સમાવેશ થવો શહેરની સાયકલિંગ નીતિઓ અને વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતત પ્રયાસો અને નાગરિકોના સહકારથી અમદાવાદને વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત થયું છે, આ સાથે સાયકલિંગ માટેનું અમદાવાદનું મોડેલ વૈશ્વિક સ્તરે સ્વીકારાયું પણ છે.
કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ સાયકલિંગને માત્ર મુસાફરીનું સાધન નહીં પરંતુ શહેરના કાર્યક્ષમતા માપવાનો દર્પણ માને છે. રિપોર્ટ મુજબ સાયકલિંગ એ શહેરનું આયોજન કેટલી હદે લોકો-કેન્દ્રિત છે તે દર્શાવતું મુખ્ય પરિમાણ છે.
શહેરોમાં જગ્યા કેવી રીતે મેનેજ થાય છે, ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય છે, જીવનની ગુણવત્તા કેવી છે અને નાગરિકો માટે ગતિશીલતા કેટલી સુરક્ષિત છે તે બધું સાયકલિંગની સુવિધાઓ અને વપરાશ દ્વારા જ સ્પષ્ટ થઇ જાય છે. COVID-19 બાદ દુનિયાભરના અનેક શહેરોમાં સાયકલિંગને આધુનિક પરિવહન વિકલ્પ તરીકે સ્વીકારવાને લીધે તેને વધુ વ્યાપક મહત્વ પ્રાપ્ત થયું છે.
આ વર્ષના રિપોર્ટમાં શહેરોનું મૂલ્યાંકન ત્રણ મુખ્ય આધારસ્તંભો સેફ એન્ડ કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યૂઝેજ એન્ડ રીચ અને પોલિસી એન્ડ સપોર્ટને આધારે કરવામાં આવ્યું છે. સુરક્ષિત સાયકલ ટ્રેક, બાઈક પાર્કિંગ, ટ્રાફિક કાલ્મિંગ ઝોન, દૈનિક સાયકલ ટ્રિપ્સનું પ્રમાણ, મહિલાઓનો સાયકલિંગમાં ભાગ, બાઈક-શેર સિસ્ટમ, નીતિ આધાર અને શહેરી આયોજન આ બધાં સૂચકોને જોડીને કુલ 13 ઇન્ડિકેટર્સના આધારે દરેક શહેરના સ્કોર નિર્ધારિત થયા છે. આ ત્રણેય પરિમાણો સાથે મળીને શહેરનો ગ્લોબલ કોમ્પોઝિટ સ્કોર રચાયો છે, જે ઉપરથી નીચે સુધી ગોઠવીને અંતિમ રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
ટોચના શહેરોમાં આ વર્ષે Utrecht, Copenhagen, Ghent, Amsterdam અને Paris આગળ રહ્યા છે, જ્યારે એશિયામાં Kyoto, Singapore, Taipei અને Osaka સાથે ભારતમાંથી ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરે પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. જેનાથી સ્પર્શ થાય છે કે, અમદાવાદ શહેરે છેલ્લા કેટલાક વર્ષોમાં સાયકલિંગ માટે ઊભરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત પ્રતિબદ્ધતા અને નાગરિકોની વધતી ભાગીદારી તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે. નવા સાયકલ-ફ્રેન્ડલી કોરિડોર્સ, ટ્રાફિક કાલ્મિંગ ઝોન અને સુરક્ષા જાગૃતિના અનેક પ્રયત્નો શહેરને વિશ્વની યાદીમાં સ્થાન અપાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે.
કોપનહેગેનાઇઝ અને EIT અર્બન મોબિલિટી ટીમનું કહેવું છે કે, સાયકલિંગને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી નીતિઓ શહેરોના પર્યાવરણીય લક્ષ્યો, સ્વચ્છ હવા, ટ્રાફિક ઘટાડો અને સ્વસ્થ જીવનશૈલી માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે.
તેમની માન્યતા મુજબ સાયકલિંગ હવે ‘આવશ્યકતા’ તરીકે નહીં પરંતુ ‘મોડર્ન, કાર્યક્ષમ અને પર્યાવરણમિત્ર’ ગતિશીલતા તરીકે ઊભરતું પરિવર્તન છે. EIT અર્બન મોબિલિટીના CEO Marc Rozendal એ જણાવ્યું કે, કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ શહેરોને માત્ર રેન્કિંગ નહીં પરંતુ શીખવા, મૂલ્યાંકન કરવા અને પોતાની સાયકલિંગ નીતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે એક પ્રેક્ટિકલ માર્ગદર્શિકા આપે છે.
અમદાવાદ માટે આ સિદ્ધિ શહેરમાં સસ્ટેનેબલ ગતિશીલતા વધારવાની દિશા તરફ આગળ વધવાનું એક પ્રેરણાદાયી આધાર મનાય છે. શહેરમાં વિકસતા સાયકલ ટ્રેક, ટ્રાફિક-કાલ્મ્ડ ઝોન, વધતા બાઈક પાર્કિંગ સ્પેસ, અને નાગરિકોમાં ઊભરતી સાયકલિંગ જાગૃતિ આ બધું અમદાવાદને ગ્લોબલ સાયકલ ફ્રેન્ડલી શહેરોની યાદીમાં સ્થાન અપાવવાના મુખ્ય પરિબળો છે.
શહેરે સાયકલિંગને પરિવહન પ્રણાલીના મુખ્ય ભાગ તરીકે સ્વીકારવાની દિશામાં લેવામાં આવેલા પગલાં આવનારા સમયમાં વધુ સ્વસ્થ, સ્વચ્છ અને લિવેબલ અમદાવાદ તરફની મહત્વની યાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે.
અમદાવાદમાં રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ સંસ્થાઓ જેમ કે BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી સમાંયતરે વિવિધ સાયક્લોથોન આયોજીત કરવામાં આવે છે, જેમાં ઉત્સાહપૂર્વક નાગરિકો ભાગ લે છે. આમ વધુમાં વધુ લોકો સાયક્લિંગ કરવા પ્રોત્સાહિત થાય તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
