Western Times News

Gujarati News

રાજકોટના વૃદ્ધ દંપતીએ ડરમાં જીવનની મૂડી ગુમાવી

રાજકોટ, સાયબર માફિયાઓ દ્વારા વધુ એક વખત સિનિયર સિટીઝન તેમજ નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી એક કરોડથી વધુની રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના જુના એરપોર્ટ રોડ પર રહેતા ૭૬ વર્ષીય કુરબાન બદામી નામના વ્યક્તિ દ્વારા બુધવારના રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૨૦૪, ૨૦૫, ૩૦૮ (૭), ૩૩૭, ૬૧ (૨) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ અંતર્ગત જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક તેમજ જુદા જુદા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

આરોપીઓ દ્વારા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કરીને સુપ્રીમ કોર્ટ તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ખોટા દસ્તાવેજ મોકલી ૧,૧૪,૫૫,૦૦૦ રૂપિયા જેટલી રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના જુના એરપોર્ટ રોડ પર પોતાની પત્ની સાથે નિવૃત્ત જીવન ગાળી રહેલા કુરબાન બદામી નામના વ્યક્તિ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મને જણાવ્યું હતું કે, હું ટેલિકોમ કંપનીમાંથી બોલું છું.

બે કલાકમાં તમારો ફોન બંધ થઈ જશે. તમારા ફોનનો ઉપયોગ તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઇન ગેમ્બલિંગ તેમજ સાઇબર ટેરેરિઝમમાં કરેલ છે. જેથી અમે તેમને કહ્યું હતું કે, અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી.

ત્યારબાદ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ખુલાસો કરવા જવું પડશે. જેથી કુરબાન બદામીએ કહ્યું હતું કે, હું સિનિયર સિટીઝન છું. મુંબઈ ખાતે જઈ શકું તેમ નથી જેથી ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે હું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે તમારો સંપર્ક કરાવી આપીશ તમે તેમને ફોનમાં ખુલાસો કરી આપજો.

થોડીવાર બાદ વીડિયો કોલ આવ્યો હતો. વીડિયો કોલ કરનાર વ્યક્તિએ પોલીસની ભરતી પહેરી હતી તેમજ પોતાની ઓળખ પીએસઆઇ શંકર પાટીલ તરીકેની આપી હતી. શંકર પાટીલ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ મને મારા પરિવારની તમામ વિગતો પૂછી હતી. તેમજ આધાર કાર્ડ પણ માંગ્યા હતા. ત્યારબાદ મને જણાવવામાં આવ્યું હતું કે, મારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજ્યમાં બેંકે એકાઉન્ટ ખુલ્યા છે. જેમનો ઉપયોગ મની લોન્ડરિંગ તેમજ સાઇબર ક્રાઇમમાં થયો છે.

તેમજ સાઇબર ટેરેરિઝમમાં આધાર કાર્ડનો ઉપયોગ પણ થયો છે. જે અંતર્ગત મને દસ વર્ષથી લઈ આજીવન કેદની શિક્ષા થઈ શકે છે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મારી ફિઝિકલ અરેસ્ટ નહીં કરી મને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો છે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વારંવાર વીડિયો કોલ આવતા હતા તેમ જ મને જણાવવામાં આવ્યું હતું કે, તમારી સંપત્તિ શંકાના દાયરામાં છે.

તમારે તમારી પ્રોપર્ટીને લિÂક્વટાઇઝ કરી આરબીઆઈ માં રોકડ રૂપિયા જમા કરાવવા પડશે. જે રૂપિયા કેસ પૂર્ણ થયા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવશે.

ત્યારબાદ શંકર પાટીલ તરીકેની ઓળખાણ આપનાર વ્યક્તિએ વોટ્‌સએપ ઉપર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી. રબીશંકરની સહી વાળો લેટર મોકલી આપ્યો હતો.

૩ નવેમ્બર ૨૦૨૫ થી લઈ ૧૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન કુરબાન બદામી તેમજ તેની પત્ની દુરૈયા બદામીના ખાતામાંથી કુલ પાંચ વખત ટ્રાન્જેક્શન થકી ૧,૧૪,૫૫,૦૦૦ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આટલી રકમ ટ્રાન્સફર કર્યા બાદ પણ ફોન કરનાર વ્યક્તિઓ દ્વારા વધુ ૧૦ લાખ રૂપિયા માંગ્યા હતા.

તેમજ રકમ નહીં આપો તો ફિઝિકલ અરેસ્ટ કરવામાં આવશે. તેમજ તમારી વિદેશ રહેલી બંને દીકરીઓને ભારત પરત લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેથી અમે અમારી કેનેડા ખાતે રહેલી નાની દીકરી ઈસરત પાસેથી રૂપિયા માંગતા ઈસરતે જણાવ્યું હતું કે આ એક ફ્રોડ છે. જેથી અમે તાત્કાલિક અસરથી ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર બદામી દંપતીના ખાતામાંથી કુલ પાંચ જેટલા ટ્રાન્જેક્શન થયા હતા. જે અંતર્ગત આરોપીઓ દ્વારા કુલ ૩ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ત્રણ એકાઉન્ટમાં ભારતના જુદા જુદા રાજ્યમાંથી કુલ ૧૩ જેટલી ફરિયાદો એનસીઆરપી પોર્ટલ પર નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.