કચ્છના શારદાબેનના અંગદાનથી મળેલા એક લીવર અને બે કિડનીના દાનથી મળશે ૩ લોકોને નવજીવન
કોઇ સમાજના આગેવાનોએ સામેથી સંપર્ક કરી પરીવારજનોને અંગદાન માટે સમજાવ્યા હોય તેવો પહેલો કિસ્સો :- ડો. રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ
ગુજરાતના છેવાડાના જીલ્લા કચ્છના અનુસુચિત જાતિના મહેશ્વરી મેઘવાલ સમાજના આગેવાનો એ બ્રેઇન ડેડ દર્દી ના પરીવારજનોને અંગદાન માટે સમજાવી તમામ જાતિના આગેવાનો માટે દ્રષ્ટાંત પુરુ પાડ્યુ
દરેક સમાજના લોકો અંધશ્રધ્ધા, જુની માન્યતાઓ અને ખોટી રૂઢીગત પરંપરાઓમાંથી બહાર આવી દેશ અને સમાજના ભલા માટે આગળ આવે તે જરૂરી :- મહેશ્વરી સમાજના આગેવાન નવીનભાઇ હિંગણા, પુંજા ભાઇ માંગલીયા અને અન્ય આગેવાનો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના વતની બ્રેઇન ડેડ થતા અંગદાન થયું. જે સિવિલ હોસ્પિટલમાં થયેલ 221 મું અંગદાન હતું. સિવિલ હોસ્પિટલમાં થયેલ આ અંગદાનની વિગતોમાં જોઇએ તો , કચ્છના વતની એવા 33 વર્ષીય શારદાબેન મહેશ્વરીને મગજમાં હેમરેજ થતા સારવાર માટે પરીવારજનો પ્રથમ ભુજ અને ત્યારબાદ તા. ૧૮.૧૧.૨૦૨૫ ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા.
સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ તારીખ ૧૯.૧૧.૨૦૨૫ ના રોજ તેમનું બ્રેઇન ડેડ હોવાનુ નિદાન કર્યું.
સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ દ્વારા હોસ્પિટલ ખાતે હાજર શારદાબેનના પતિ શંકરભાઇ, ભાઈ જીગ્નેશભાઈ અને કિશોરભાઈ ભરાડીયાને શારદાબેન બ્રેઇન ડેડ હોવાનુ તેમજ તેમના અંગોનુ દાન કરવા સમજાવ્યા હતા.
શારદાબેન બ્રેઇન ડેડ હોવાની જાણ કચ્છ ખાતે તેમના સમાજના આગેવાનો નવીનભાઇ, પુંજાભાઇ, ભરતભાઈ પુંજાભાઈ આયડી, અરવિંદભાઈ હધુભાઈ આયડી, ગોવિંદભાઈ આયડી વિગેરે ને થતા નવીનભાઇએ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપ દેશ્મુખ દાદાનો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે હાજર શારદાબેન ના પતિ અને અન્ય હાજર સગાઓ તેમજ કચ્છ ખાતે રહેલ માતા લક્ષ્મીબેન, પિતા કાનજીભાઈ સીજુ અને અન્ય સગાઓ લીલબાઈ કે. આયડી, હંશાબેન આર. આયડીને સમજાવી અંગદાન માટે સંમતિ મેળવી હતી.
સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૨૧ અંગદાન થકી કુલ ૭૩૨ અંગોનું દાન મળ્યું છે. આમ જોઇએ તો ૧૫૬ ચક્ષુ તેમજ ૨૬ ચામડીના દાન મળી કુલ 182 પેશી ઓ સાથે કુલ ૯૧૪ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીન સુધી મેળવવામાં આવ્યુ છે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જોષી એ વધુ માં જણાવ્યુ હતુ.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૯૫ લીવર, ૪૦૬ કીડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૧ હૃદય,૬ હાથ, ૩૪ ફેફસાં,૨ નાનાં આંતરડાં, ૧૫૬ ચક્ષુ તથા ૨૬ ચામડીનું દાન મળ્યુ છે.
આ અંગદાનથી મળેલ લીવર ને શહેર ની કેડી હોસ્પિટલ અને બે કીડની ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ ડો. જોશીએ જણાવ્યુ હતુ
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, અંગદાન કાર્યક્રમમાં સમાજસેવી સંસ્થાઓનો મહત્વનો ફાળો છે.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપ દેશમુખ દાદાની પ્રેરણા અને સમજાવટ થી મહેશ્વરી મેઘવાલ સમાજના આગેવાનોએ અંગદાન માટે પરીવારજનોને સમજાવ્યા હતા.
ઘણા કિસ્સા માં જ્યારે હોસ્પિટલ ખાતે નિર્ણય કરનાર પરીવારજન હાજર ન હોય અથવા સ્વજન પ્રત્યે ની લાગણી ના કારણે પરીવારજનો અંગદાન નો નિર્ણય ન લઇ શકતા હોય ત્યારે સમાજસેવી સંસ્થા ઓ ની ભુમિકા મહત્વ ની બની રહે છે.
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભુતકાળમાં પણ ગુજરાત રાજ્યના અંતરીયાળ ગામો તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યો માં પણ સ્વયંસેવકો મોકલી બ્રેઇન ડેડ દર્દી ના પરીવારજનો ને સમજાવી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા છે. અંગદાન કાર્યક્રમ શરુ થયા પછી થી આજદીન સુધી સિવિલ હોસ્પિટલ માં ૨૨૧ અંગદાતાઓએ અંગદાન કર્યુ છે.
શ્રી દિલીપ દેશમુખ દાદાના વિશેષ માર્ગદર્શન તેમજ ગાંધીધામ ખાતે નિત્યા સર્જીકલ હોસ્પિટલ નાં ડૉ. કિશન કટુઆ , ડૉ.સપના કટુઆ, રાધે હોસ્પિટલ અંજાર નાં ડૉ.અરવિંદ માતંગ વિગેરેના માર્ગદર્શન અને સહયોગ થી અમે છેલ્લા અમુક વર્ષોથી અંગદાન કામગીરીમાં સક્રીય છીએ તેમ નવિન બી. હિંગણા, સંસ્થાપક અધ્યક્ષ પેન્ઢદાન ઓર્ગેનાઈઝશન ગાંધીધામ કચ્છ., પુંજાભાઈ માયાભાઈ માંગલિયા તથા પુનમભાઈ ડી. ચુણા, પ્રમુખ શ્રી ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના આગેવાનએ જણાવ્યું હતુ.
