‘50થી વધુ વયનો ટ્રાફિક સ્ટાફ ૩ કલાક પણ ઊભો રહી શકતો નથી’: હાઈકોર્ટ
AI Image
કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં સર્વગ્રાહી રિપોર્ટ રજૂ કરવા આદેશ -ટ્રાફિક પોલીસ પાસેથી ડ્યુટીના સમયે ફોન લઈ લો, તે જોવામાં વ્યસ્ત હોય છે; હાઈકોર્ટ
(એજન્સી)અમદાવાદ, શહેરમાં રોંગસાઈડ વાહનચાલકો અને રઝળતા ઢોરની સમસ્યા સામે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો કે તમે કોઈપણ ચાર રસ્તા પર જુઓ, ટ્રાફિક પોલીસે કયાં તો કીટલી પર ઊભી હોય, કયાં તો ફોન જોવામાં વ્યસ્ત હોય છે.
અમે હાઈકોર્ટથી નીકળતા હોય ત્યારે સિકયોરિટીને ચાર રસ્તા પાસે મોકલવી પડે છે. ટ્રાફિક પોલીસને તેમની ડયુટી યાદ કરાવવા. કોર્ટ કમિશનરને નીમી દઈએ ? તમારા ઓફિસર એસી ચેમ્બરમાં બેસીને ટ્રાફિક સંચાલન કરે છે. તમારી ફોર્સને શિસ્ત શીખવો. તમે સીસીટીવી નાંખીને જુઓ એટલે ખબર પડે.
કોર્ટે સરકારને સર્વગ્રાહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. શહેરમાં કેટલો ટ્રાફિક ફોર્સ છે ? તેમની ડયુટી એરિયામાં કેટલા કલાક છે ? તેમને કોણ તાલીમ આપે છે ? ઝોનવાઈસ કોણ જવાબદાર ઓફિસર છે ? વગેરે વિગતો રિપોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે.
કોર્ટે સરકારે એવો સવાલ કર્યો હતો કે, કેટલી ટ્રાફિક ફોર્સ તમારી પાસે છે ? કેટલાને ટ્રેનિંગ આપી ? પિકઅવરમાં પણ ટ્રાફિક પોલીસ હોતી નથી. અમે એમ નથી કહેતા કે કામ નથી કરતા, પણ શિસ્ત શીખવાની જવાબદારી તમારી છે. તમારા પ૦થી વર્ષથી મોટી ઉંમરના પોલીસ ૩થી ૪ કલાક ઊભા રહી શકતા નથી. ટ્રાફિક પોલીસ પાસેથી તેમને ડયુટીના સમયે ફોન લઈ લો. ચાલુ ફરજે મોબાઈલ વાપરવો જ ન જોઈએ. તમારો ટ્રાફિક ફોર્સ શિસ્ત રાખશે તો લોકો પણ શિસ્ત રાખશે.
