ગુજરાતના 4500 કિ.મી. રસ્તાઓને માવઠાને કારણે 500 કરોડથી વધુનું નુકસાન
પ્રતિકાત્મક
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં માર્ગ-મકાન વિભાગ હેઠળના કુલ અંદાજે ૧ લાખ ર૩ હજાર કિલોમીટરની લંબાઈના રસ્તાઓ પૈકી આશરે ૪પ૦૦ કિલોમીટરની લંબાઈના રસ્તાઓને તાજેતરના ભારે કમોસમી વરસાદને કારણે મોટું નુકસાન થયું છે.
મોટા ગાબડા અને પેચવર્કની જરૂરિયાતવાળા આ રસ્તાઓને થયેલા નુકસાનનો અંદાજ રૂ.પ૦૦ કરોડ લગાવાયો છે. અત્યારે યુદ્ધના ધોરણે આ રસ્તાઓના રિપેરિંગ માટે રાજ્યમાં ૧૮૦ જેટલા ડામર પ્લાન્ટ ચાલી રહ્યા છે. આશરે ૪ હજાર કિલોમીટરની લંબાઈમાં થયેલું નુકસાન ગાબડા પૂરીને, પેચવર્ક કરીને તથા નવું પેવર લગાવીને રિપેર થઈ ચૂકયું છે
અને હવે આશરે પ૦૦ કિલોમીટરના રસ્તાઓ રિપેરિંગ કરવાના બાકી રહે છે જે કાર્ય ૩૦મી નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની મુખ્યમંત્રીએ માર્ગ-મકાન વિભાગને તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ, રાજકોટ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં તાજેતરમાં ભારે માવઠું થયું હોઈ આ જિલ્લાના રસ્તાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
રાજ્યમાં કુલ નુકસાનીમાં આ ૭ જિલ્લાઓની નુકસાનીનો હિસ્સો આશરે ૪૦ ટકા છે. સૂત્રો એવું કહે છે કે, રાજ્યમાં માર્ગ-મકાન વિભાગના કુલ લંબાઈ રસ્તાઓમાં અસરગ્રસ્ત ૪પ૦૦ કિલોમીટરના રસ્તાઓની લંબાઈ માંડ ૪ ટકા જેટલી જ છે પરંતુ લોકોને કોઈ તકલીફ ના પડે અને ટ્રાફિકના પ્રશ્નોના ઉદ્દભવે તે હેતુથી આ રિપેરિંગ કાર્ય પદ્ધતિના ધોરણે થઈ રહ્યું છે જેમાં રોજેરોજ કામગીરીનો અહેવાલ લેવાઈ રહ્યો છે.
બીજી તરફ રાજ્યના જે તે જિલ્લાઓના પ્રભારી મંત્રીઓને તેમના વિસ્તારમાં અસરગ્રસ્ત રસ્તાઓ, ચાલતા રિપેરિંગ કાર્ય, ચાલતા કામોની ક્વોલિટી તેમજ બાકી રહેલા અસરગ્રસ્ત રસ્તાઓ સંદર્ભે વિસ્તૃત અહેવાલ ૩૦મી નવેમ્બર સુધી સોંપવા પણ મુખ્યમંત્રી તરફથી કડક સૂચના અપાઈ છે.
