Western Times News

Gujarati News

ઉપવાસ ઉપર બેઠેલા કેટલાક દેખાવકારોની અટકાયત

અમદાવાદ: અમદાવાદના ધોળકા ખાતે એલઆરડી મુદ્દે ઉપવાસ પર બેઠેલા ઓબીસી, એસસી, એસટીના આગેવાનોની અટકાયત કરવામાં આવતાં મામલો ગરમાયો હતો. એલઆરડી મામલે ગાંધીનગર ખાતે ઉપવાસ પર બેઠેલી બહેનોના સમર્થનમાં આજે આ આગેવાનો ઉપવાસ પર બેઠા હતા. ધોળકાના કલીકુંડ પાશ્વનાથ સર્કલ પાસે બાબા સાહેબ આૅબેડકરના સ્ટેચ્યું પાસે આગેવાનો ઉપવાસ પર બેઠા હતા, તે દરમ્યાન તેઓની અટકાયત કરવામાં આવી હતી. પરમીશન વગર ઉપવાસ પર બેસતા પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરાતાં સમગ્ર મામલો ગરમાયો હતો. ખાસ કરીને એલઆરડી ઉમેદવારોમાં પોલીસની અટકાયતી કાર્યવાહી સામે રોષ ફેલાયો હતો.

બીજીબાજુ, આદિવાસી સમાજ તેમની જાતિના પ્રમાણપત્રને ચલાવી રહેલી લડતમાં આજે આદિવાસી સાંસદો પણ મેદાનમાં આવ્યા હતા. રાજયના આદિવાસી સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખી રબારી, ચારણ, ભરવાડ જાતિને એસટીની યાદીમાથી દૂર કરવા કરી માંગણી કરી છે.

રબારી, ચારણ, ભરવાડને આદિવાસી જાતિના પ્રમાણપત્ર આપતાં આદિવાસી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. આ પ્રમાણપત્ર રદ્દ કરવા માટે માંગણી થઇ રહી છે. છેલ્લા કેટલા સમયથી ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરમાં હાલ આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે પણ આંદોલન સાચા આદિવાસી અધિકાર બચાવ સમતિતિ વતી ચાલી રહ્યું છે ત્યારે આજે આ આંદોલનમાં રાજ્યના આદિવાસી સાંસદો પણ સમર્થનમાં આગળ આવ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો, જેમાં રબારી, ચારણ, ભરવાડ જાતિને એસટીની યાદીમાંથી દૂર કરવાની માગણી કરી હતી. જે સાંસદોએ પત્ર લખ્યો છે

તેમાં જશવંતસિંહ ભાભોર, ગીતા રાઠવા, મનસુખ વસાવા અને પ્રભુ વસાવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં હાલ આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે પણ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં જે લોકોને આદિવાસીના નામે ખોટી રીતે અપાયેલા પ્રમાણપત્રો રદ કરવાની મુખ્ય માગણી છે. જેને પણ કેટલાક સાંસદોએ ખુલ્લુ સમર્થન આપ્યું છે. ગાંધીનગર ખાતે સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. આદિવાસીઓની માંગ છે કે, ગીર-બરડોમાં રહેતા અમુક જાતિના લોકોને ખોટી રીતે આદિવાસી બનાવી તેમને આદિવાસીના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.

તેઓ આદિવાસીના હક્ક છીનવી રહ્યાં છે. જેથી તેમના પ્રમાણપત્રો રદ્દ કરવામાં આવે અને આવા ખોટા પ્રમાણપત્રો પર મેળવેલી નોકરીને પણ રદ્દ કરવામાં આવે. જો આવું નહીં થાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરી સરકારને ઘેરવામાં આવશે. આ આંદોલનમાં પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાએ પણ આંદોલનને સમર્થન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.