ગુજરાતની આ યુનિવર્સિટીના HR મેનેજરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પ્રતિકાત્મક
પાટણ, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના એચ.આર. મેનેજર અલ્કેશકુમાર રાજપુતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આપઘાતનું કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા ૩૬ વર્ષીય અલ્કેશકુમારનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો, જેની જાણ વહેલી સવારે પરિવારજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
આ ઘટના સિદ્ધપુર શહેરના હાઈવે નજીક આવેલી ભાઈકાકા સોસાયટીના સી-પર નંબરના મકાનમાં બની હતી. અલ્કેશકુમારે કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે સફેદ ખેસ વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક અલ્કેશકુમાર રાજપુત સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે તપાસ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
