ઝઘડિયા GIDCમાં એક સાથે આઠ ગાયોના મોત થતાં ચકચાર
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે.આવું પ્રદુષિત પાણી વરસાદી કોસોમાં થઈને ખાડીઓ અને નર્મદા નદીમાં જતું હોઈ જેથી બંનેના જળ પ્રદુષિત થાય છે અને સાથોસાથે આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકશાન થાય છે.
તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે.ત્યારે ગતરોજ ઝઘડીયા જીઆઈડીસીમાં એક સાથે આઠ ગામોના રહસ્યમમ સંજોગોમાં મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ ઘરજીયા (ભરવાડ) દ્વારા ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપની માંથી નીકળતું પાણી પી જવાથી ૮ ગાયોના મોત થયા હતા.આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબીની ટીમ દ્વારા પાણીના નમુના લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં ૧૪ જેટલી ગાયોના મોત થયા હતા.ત્યારે જીઆઈડીસીમાં ફરી એકવાર એક સાથે ૮ ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે તેઓએ પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ તેમજ આ બાબતે ગૌરક્ષાકોએ પણ ગાયોના મોતનું સાચું કારણ બહાર લાવવા તેમજ જવાબદારો સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જોઈએ.
