Western Times News

Gujarati News

પિતાની અંતિમક્રિયા પૂર્ણ કરી દીકરીએ MAની પરીક્ષા આપી

પ્રતિકાત્મક

નડિયાદ, નડિયાદમાં એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે જ્યાં સુરજબા મહિલા આટ્‌ર્સ કોલેજમાં એમએ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરતી એક તેજસ્વી વિદ્યાર્થિનીએ પિતાના લાંબી માંદગી બાદ થયેલા અવસાનના ગણતરીના કલાકોમાં જ તેમની અંતિમવિધિ પૂર્ણ કરી યુનિ.ની પરીક્ષા આપી છે. પિતા ગુમાવ્યાની અસહ્ય વેદના વચ્ચે પણ મનોબળ ટકાવી રાખનાર આ દીકરીની હિંમત જોઈ સમગ્ર કોલેજ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો.

નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ સાગરપાર્ક સોસાયટીમાં રહેતી મનીષાબેન રજનીકાંત સોલંકી નામની યુવતી હાલમાં નડિયાદ મીલ રોડ પરની સુરજબા મહિલા આટ્‌ર્સ કોલેજમાં એમએ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરી રહી છે તેના પિતા રજનીકાંતભાઈ સોલંકી લાંબા સમયથી લીવરના કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા.

મંગળવારે સવારે પિતા રજનીકાંતભાઈ સોલંકીનું અવસાન થયું હતું. એક તરફ પિતા ગુમાવ્યાનું ભારે દુઃખ અને બીજી તરફ આજે જ મનીષાની એમએ સેમેસ્ટર-૩ની પરીક્ષાનું સોશિયોલોજીનું પ્રશ્નપત્ર હતું. પિતાના દેહાંત બાદ પણ દીકરીએ પોતાના મનોબળને મજબૂત રાખી, મનમાં દ્રઢ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો.

પિતા રજનીકાંતભાઈના અવસાન બાદ તેમની અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ કરી મનીષા તાત્કાલિક પરીક્ષા આપવા માટે કોલેજમાં પહોચી ગઈ હતી. દીકરીએ પોતાના જીવનની આ કપરી કસોટીમાં હિંમત જાળવી રાખી હતી જ્યાં એક બાજુ પિતાને ગુમાવવાની વેદના રાખી હતી અને બીજી તરફ તેણે જીવનની એક મોટી પરીક્ષા આપવાની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.