શ્રી સ્વામિનારાયણ આશ્રમ ધ્રાગંધા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ધ્રાંગધ્રા, નીલકંઠ વિદ્યાપીઠ ટ્રસ્ટ (હૈદરાબાદ) સંચાલિત શ્રી સ્વામિનારાયણ આશ્રમ જેગડવા ચોકડી, ધ્રાંગધ્રા મુકામે પાંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તારીખ ૨૬ થી ૩૦ દરમિયાન યોજાનાર મહોત્સવના પ્રેરક પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશ દાસજી છે.
આ પ્રસંગે હૈદરાબાદથી પધારેલ શ્રી વિવેકસાગર સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સહિત નાના-મોટા ૨૧૨ સંતોની ઉપસ્થિતિમાં જય યજ્ઞ, સંત સંમેલન, વ્યાખ્યાન માળા, મહાપૂજા ઉપરાંત શ્રીમદ સત્સંગી જીવન કથા હૈદરાબાદ સ્થિત પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી હરિદર્શનદાસજી સ્વામીના શ્રીમુખે સાંભળવાનો લહાવો મળશે.
તારીખ ૨૬ ના સવારે શ્રી સ્વામિનારાયણ આશ્રમથી પોથી યાત્રા કથા સ્થળે મહોત્સવ જશે. નૂતન મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ગણપતિજી તેમજ શ્રી હનુમાનજીની દિવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રસંગે પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ આશીર્વાદ આપશે. આ દિવ્ય અને
ભવ્ય પ્રસંગે અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષશ્રી મોહનદાસજી બાપુ, દુધરેજના શ્રી કનીરામદાસજી મહારાજ, મોટા મંદિર લીંબડીના પૂજ્ય મહામંડલેશ્વર લલિતકિશોર શરણદાસજી મહારાજ ઉપરાંત પીપળીધામ, ગેડિયા, દુધઈ, હળવદ, શિયાળી ઉપરાંત ગુજરાત બહાર મુંબઈ, કલકત્તા, હૈદરાબાદથી સત્સંગ સમાજ હાજર રહેશે.
