મોબાઇલ હેલ્થ -મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું – ફરતું આરોગ્ય મંદિર
રાજ્યમાં કાર્યરત ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટની OPD સેવાનો ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ લીધો લાભ
મોબાઇલ હેલ્થ અને મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે હરતું – ફરતું આરોગ્ય મંદિર સાબિત થઈ રહ્યું છે.નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સેવા છેવાડાના માનવી સુધી પહોચી રહી છે.
રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી રાજ્યમાં ૧૦૨ મોબાઇલ હેલ્થ યુનિટ અને ૩૫ મોબાઈલ મેડીકલ યુનિટ એમ કુલ ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટ સેવારત છે. જે પૈકી ૮૦ આદિજાતિ વિસ્તારમાં, ૨૩ અગરિયા વિસ્તારમાં, ૧૧ રણ વિસ્તારમાં, ,ચાર જંગલ વિસ્તારમાં અને ૧૯ સામાન્ય વિસ્તારમાં મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટ કાર્યરત છે.
સપ્ટેમ્બર – ૨૦૨૫ સુધીમાં કુલ ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટની ઓ.પી.ડી. સેવાનો લાભ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત ૮ હજારથી વધુ મહિલાઓની પૂર્વ પ્રસુતિ સંભાળ,૧ હજારથી વધુ હાઇરીસ્ક માતાની ઓળખ તેમજ ૫ લાખથી વધુ નાગરિકોની લેબોરેટરીની તપાસ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે તેથી આરોગ્યની સેવાઓનું સંકલન થાય અને નાગરિકોને સરળતાથી આરોગ્યલક્ષી સારવાર આપી શકાય. મોબાઇલ યુનિટ સ્થાનિક જરૂરીયાત મુજબ પીએચસી મેડીકલ ઓફિસર, ટીએચઓ અને સીડીએચઓ દ્વારા તૈયાર કરેલ એકશન પ્લાન અને ફિકસ રૂટ પ્લાન સમય અને દિવસ પ્રમાણે આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે.
