જમ્મુ-કાશ્મીરની અનેક હાસ્પિટલોને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવાનું ષડયંત્ર
પ્રતિકાત્મક
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોંબ વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની તપાસ મુજબ, જે રીતે હમાસ ગાઝાની અલ-શિફા હાસ્પિટલમાં હથિયારો જમા કરતો હતો, તે રીતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરની અનેક હાસ્પિટલોને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
જૈશનું આતંકી માડ્યુલ બારામુલા, અનંતનાગ અને બડગામની અનેક હાસ્પિટલોને હથિયારોના ભંડાર કેન્દ્રમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યું હતું. એનઆઈએ સૂત્રોના જણાવ્યા મુજબ, કાર વિસ્ફોટમાં ધરપકડ કરાયેલા ડૉ. અદીલ રાઠરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ, હમાસ અને જૈશના કેડરો વચ્ચે સંબંધો વધ્યા હોવાની માહિતી મળી છે, તેના પરથી સંભાવના છે કે, હમાસ જૈશના આતંકી માડ્યુલને ટેકનીકલ મદદ કરી રહ્યો હતો.
જૈશના ‘ડૉક્ટર આતંકી માડ્યુલે’ અનંતનાગ, શ્રીનગર, બારામુલા અને નૌગામની હાસ્પિટલને ઘાતક હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવાવનું ષડયંત્ર રચ્યું હતું. આ માહિતી સામે આવ્યા બાદ પોલીસે કાશ્મીરની અનેક હાસ્પિટલોમાં દરોડા પાડ્યા છે,
જેમાં આરોપી ડૉક્ટરોના લોકરમાંથી હથિયારો મળી આવ્યા છે. ગુજરાતી એસટીએસે અગાઉ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાં હૈદરાબાદનો ડૉ. અહમદ સૈયદ પણ સામેલ હતો. એટીએસએ હૈદરાબાદ જઈને અહમદના ઘરે દરોડો પાડ્યો હતો,
જેમાં તેના ઘરેથી મોટાપ્રમાણમાં આતંકવાદને લગતી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી. ડૉ. અહમદના ભાઈ ઉમરે કહ્યું કે, ૧૦ લોકો બુધવારે બપોરે આવ્યા હતા અને ત્રણ કિલો એરંડાનો ગૂદો (પલ્પ), પાંચ લિટર એસિટોન, કોલ્ડ પ્રેસ ઓઇલ એક્સટ્રેક્શન મશીન અને એસિટોનની ડિલિવરીવાળી એક રસીદ લઈ ગયા હતા.
તેણે એમ પણ કહ્યું કે, અહમદે ચીનમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. અહમદને કોઈએ પ્રોજેક્ટ આપ્યો હતો. અત્રે જણાવી દઈએ કે, એરંડાના ગુદામાંથી ખૂબ જ ઝેરીલું રિસિન બનાવવામાં આવે છે.
