ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.43 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું
(પ્રતિનિધિ) દાહોદ, મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર વ્યુહાત્મક વોચ દરમિયાન કતવારા પોલીસે રૂપિયા ૧,૪૩,૪૯,૬૦૦/-ની કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૯૦૫ સાથે ટાટા કંપનીનું બંધ બોડીનું કન્ટેનર (કેપ્સ્યુલ) પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી તેની પાસેથી એક મોબાઇલ પકડી પાડી રૂપિયા ૨૦ લાખની કિંમતના કન્ટેનર સહિત કુલ રૂપિયા ૧,૬૩,૫૪,૬૦૦/-નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
હાલ ચાલી રહેલી કડકડતી ઠંડીની શિયાળાની મોસમમાં વધતી જતી વિદેશી દારૂની માંગને પહોંચી વળવા બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે તેની સામે દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા દાહોદ જિલ્લા પોલીસ પણ એટલી જ સક્રિય બની છે.
તેવા સમયે ગઈકાલે બપોરના સમયે પોતાના પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ કતવારા પોલીસને તેના ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલ ટાટા કંપનીનું
સીજી૦૭સીબી-૦૮૪૧ નંબરનું કન્ટેનર (કેપ્સ્યુલ) વાયા દાહોદ થઈ વડોદરા તરફ જનાર છે.જે બાતમીને આધારે કતવારા પોલીસે તાબડતોબ મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પર પહોંચી જઈ વ્યુહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોઈ રહી હતી તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબર વાળું ટાટા કંપનીનું બંધ બોડીનું કન્ટેનર દૂરથી આવતું નજરે પડતાં વોચમાં ઉભેલ કતવારા પોલીસ સાબદી બની હતી.
અને કન્ટેનર નજીક આવતા જ પોલીસે હાથનો ઈશારો કરી રોકી લીધું હતુ. બંધ બોડીના કન્ટેનરની તલાસી લેતાં તેમાં વિદેશી દારૂનો જંગી જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કન્ટેનર માંથી રૂપિયા ૧,૪૩,૪૯,૬૦૦/-ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની કૂલ બોટલ નંબર-૧૦,૮૬૦ ભરેલ પેટીઓ નંગ-૯૦૫ પકડી પાડી કન્ટેનરના ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના રંગાલા ગામના ૨૫ વર્ષીય કોહલારામ નિંબારામ જાટની અટકાયત કરી
તેની અંગ ઝડતી લઈ રૂપિયા ૫૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખ ની કિંમતનું ટાટા કંપનીનું બંધ બોડી નું કન્ટેનર (કેપ્સ્યુલ) મળી રૂપિયા ૧ કરોડ ૬૩ લાખ ૫૪ હજાર ૬૦૦ (૧,૬૩,૫૪૬૦૦/) નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ કન્ટેનરના ચાલક કોહલારામ નિંબારામ જાટ, દારૂનું કન્ટેનર ક્યાંથી લઈને ક્યાં જઈને આપવાનું છે
તે જણાવનાર રાજસ્થાનના બાડમેર જિલ્લાના હોડુ ગામના અસલારામ ગોરસીયા (જાટ), રાજસ્થાનના મનોજસિંહ તેમજ અન્ય બે મળી કુલ છ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
