Western Times News

Gujarati News

ડોલર- ગોલ્ડની હેરાફેરી મામલે વડોદરાના યુવાનનું અપહરણઃ છ સામે ગુનો

વડોદરામાં ઝડપાયેલા ઈન્ટરનેશનલ-કોલ સેન્ટરના આરોપીની પણ સંડોવણી: નડિયાદ, સુરેન્દ્રનગર અને વડોદરાના આરોપીઓ સામે કાર્યવાહી શરૂ

વડોદરા, અમેરિકામાં ડોલર અને ગોલ્ડની હેરાફેરીના મામલે વડોદરાના એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બહાર આવી છે. નડિયાદ, સુરેન્દ્રનગર અને વડોદરાના આરોપીઓએ વડોદરાના છાણી વિસ્તારના એક યુવાનનું અપહરણ કરી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે છાણી પોલીસે છ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

છાણી પોલીસ સ્ટેશન ખાતે કર્ણવીર મનોસભાઈ પટેલ (રહે. નવાપુરા ફળીયુ, છાણી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, રીયલ એસ્ટેટનું કામકાજ કરે છે. વર્ષ ર૦ર૪માં મિત્ર હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે યુ.એસ.એ.માં ડોલર અથવા ગોલ્ડ પીકઅપ કરી અન્ય જગ્યાએ ડ્રોપ કરવા માટે કોઈ માણસ હોય તો જણાવશો. જેથી કર્ણવીરે યુ.એસ.એ.માં તેના પરિચિત વ્યક્તિઓ સાથે કામ ચાલુ કર્યું.

ગત નવેમ્બર ર૦ર૪માં કેલિફોનીયામાં એક જગ્યાએથી ૪૦ હજાર ડોલર અને બીજેથી પ૧ હજાર ડોલર પીકઅપ કરી સેન્ટ ફેન્સીસકો એરપોર્ટ ખાતે ડ્રોપ કરવાના હતા. આ કામ કર્ણવિરે ઈન્ટરનેશનલ કોલ સેન્ટરના આરોપી સ્વયમ ઉર્ફે સેમ રાઉત (રહે. નંદ રેસીડેન્સી, રીલાન્સ મોલ પાછળ, ઓ.પી. રોડ)ને સોંપ્યું હતું જોકે આ વખતે ૯૧ હજાર ડોલર પીકઅપ તો કરી લેવાયા પરંતુ ડિલિવરી પહોંચી ન હતી,

જેથી થોડા સમય બાદ હર્ષિલ રબારી, નવઘણ રબારી, રામ મોરીએ મેગા મળી કર્ણવિરને ફોન કરી બિભત્સ ગાળો ભાંડી, “તને જણાવેલી જગ્યાએ ડોલર પહોંચ્યા નથી. એટલે તું રૂપિયા પહોંચાડી દે નહીં તો તે વિચાયું નહી હોય તે પરિણામ ભોગવવાની તૈયારી રાખજે” તેવી ધમકી આપી હતી.

જોકે ત્યારબાદ ફેબ્રુઆરી ર૦રપમાં સાયલા ટોલનાકા પાસે કર્ણવિરની ગાડી આંતરી રામ મોરી, અજય દાઢી, નવઘણ રબારીએ કારમાં અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ જઈ ઢોર માર મારી આઈફોન અને સ્માર્ટ વોચ લૂંટી ૯૧ હજાર ડોલરની માંગણી કરી હતી.

અપહરણ કરનાર રામ મોરી, નવઘણ રબારી અને અજય દાઢી માટીના કામકાજ માટે રૂ.પ૦ લાખના લેવાના હોય જે પૈકી રપ લાખ આપવાના બાકી છે, તેવી કર્ણવિરનો વીડીયો બનાવ્યો અને સાથે આ મુજબનું એક લખાણ પણ કરાવ્યું હતું. ગત તા.૧૯ નવેમ્બર ર૦રપના રોજ અપહરણકર્તાઓએ કર્ણવિરને અજય શર્મા નામના શખ્સની ઓફીસે બોલાવી રૂપિયાની ઉઘરાણી કરી હતી

જેમાં તેઓએ ધમકી આપી હતી કે રૂ.૧૦ લાખ આપી દો નહીતર એકવાર તો તને રસ્તામાંથી ઉપાડીને જે હાલ થયા છે તે ફરીવાર થશે. સમગ્ર મામલે છાણી પોલીસે હર્ષિલ રબારી, અજય દાઢી, લાલો ભરવાડ, રામ મોરી, નવઘણ રબારી તથા હાર્દિક ડોગરે સહિત છ લોકો સામે અપહરણ, મારામારી, લૂંટ સહિતની કલમનો ઉમેરો કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.