બિહારમાં માતાના ધાવણમાં યુરેનિયમ મળી આવ્યું, ૬ જિલ્લામાં ૪૦ કેસ
પ્રતિકાત્મક
(એજન્સી)પટણા, પ્રતિષ્ઠિત નેચર જર્નલમાં પ્રકાશિત થયેલી એક નવી વૈજ્ઞાનિક સ્ટડીએ બિહારમાં જાહેર આરોગ્યને લઈને ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. આ અભ્યાસ મુજબ, બિહારના ૬ જિલ્લામાં સ્તનપાન કરાવતી ૪૦ માતાઓના બ્રેસ્ટ મિલ્કના નમૂનામાં યુરેનિયમનું અત્યંત ઊંચું પ્રમાણ મળી આવ્યું છે.
આ ખુલાસાએ તબીબી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આ ઝેરી તત્વ હવે રાજ્યની સૌથી સંવેદનશીલ વસ્તી – નવજાત શિશુઓ – સુધી પહોંચી ગયું છે. આ અભ્યાસ પટનાના મહાવીર કેન્સર સંસ્થાન દ્વારા ડૉ. અરુણ કુમાર અને પ્રો. અશોક ઘોષની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો, જેમાં એઈમ્સ, નવી દિલ્હીના બાયોકેમિસ્ટ્રી વિભાગની ટીમ પણ સામેલ હતી.
ઓક્ટોબર ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૪ વચ્ચે કરવામાં આવેલા આ સંશોધનમાં ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, કટિહાર અને નાલંદાની ૪૦ મહિલાઓના બ્રેસ્ટ મિલ્કના નમૂના લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓમાં યુરેનિયમ મળી આવ્યું હતું. ખગડિયામાં યુરેનિયમનું સરેરાશ સ્તર સૌથી વધુ, જ્યારે નાલંદામાં સૌથી ઓછું હતું.
અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ ૭૦ ટકા શિશુઓ એવા સ્તરના સંપર્કમાં આવવાનું જોખમ ધરાવે છે, જે બિન-કાર્સિનોજેનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે. એઈમ્સના સહ-લેખક ડૉ. અશોક શર્માએ જણાવ્યું કે, “અમે હજુ સુધી નથી જાણતા કે યુરેનિયમ ક્્યાંથી આવી રહ્યું છે. દુર્ભાગ્યે, યુરેનિયમ ફૂડ ચેઇનમાં પ્રવેશી જાય છે અને કેન્સર, ન્યુરોલોજીકલ સમસ્યાઓ તથા બાળકોના વિકાસ પર ગંભીર અસરો કરે છે.”
બિહારમાં પીવાના પાણી અને સિંચાઈ માટે ભૂગર્ભજળ પરની અત્યંત નિર્ભરતા, ટ્રીટમેન્ટ વિનાનો ઔદ્યોગિક કચરો અને રાસાયણિક ખાતરોનો લાંબા સમયથી થતો ઉપયોગ જેવી સમસ્યાઓએ પહેલાથી જ પાણીમાં આર્સેનિક અને લેડ જેવી ધાતુઓનું પ્રમાણ વધારી દીધું છે.
