રાજકોટમાં યુવતી પાણીપુરી ખાવા ગઈ અને હત્યા થઈ ગઈ
AI Image
સ્નેહાબેન ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે આવ્યા ન હતા પછી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો
(એજન્સી)રાજકોટ, શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના કોપર સોસાયટીમાં રહેતી સ્નેહા આસ્ટોડિયા નામની યુવતી ગઈકાલે રાતે પાણીપુરી ખાવા ગઈ હતી. ઘરે પરત ન ફરતા યુવતીના તપાસ હાથ ધરી હતી. યુવતીના પતિ અને પરિવાર દ્વારા યુવતીની શોધખોળ થતા તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ વિસ્તારના સ્થાનિકો અહીં સામાજીક તત્વોનો ત્રાસ હોવાનું જણાવી રહ્યા છે.
રાજકોટમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભગવતી પરા વિસ્તારમાં આવેલા કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય સ્નેહાબેન આસોડિયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘરથી ૨૦૦ મીટર દૂર ખુલ્લા પટમાં તીક્ષ્ણ હથિયારોથી મહિલાની હત્યા નીપજાવવામાં આવી હોવાની આશંકા છે.
ગઈકાલે એટલે કે, શનિવારે સાંજે પોતાના પતિને પાણીપુરી ખાવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળેલી મહિલા પરત ફરી ન હતી. જે બાદ આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હત્યા કોણે કરી તે હજુ અકબંધ છે ત્યારે પોલીસે આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતી રાત્રે સોસાયટીની બહાર નીકળતી હોય ત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે, શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અવાવરું જગ્યામાં ગઈકાલે રાત્રે ૩૩ વર્ષની મહિલા સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયાની માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા કરી હત્યા કરી નાખવામાં આવી છે. તે બાબતની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.
અને ઇન્ક્વેસ્ટ તેમજ પંચનામું ભરવામાં આવી રહ્યું છે.
મહિલા ગઈકાલે રાત્રે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ સવાર સુધી ઘરે આવ્યા ન હતા અને તે પછી આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ તેમના પતિને ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે પાણીપુરી ખાવા જાઉં છું તમે પણ ત્યાં જ આવી જાવ.
હાલના સંજોગો જોતા સ્થળ પર જ હત્યા કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે. જ્યારે પતિ હિતેશભાઈ આસોડિયાએ જણાવ્યું હતું કે, મારા પત્ની સ્નેહાબેને ગઈકાલે રાત્રે મને ફોન કરી કહ્યું હતું કે, પાણીપુરી ખાવા જાઉં છું.
ઘરની આગળના ચોકમાં પાણીપુરી ખાવા જાય છે અને મને એમ પણ કહ્યું હતું કે મને ત્યાંથી તેડતા જજો. જેથી હું બહારથી ઘરે આવતો હતો ત્યારે ત્યાંથી નીકળ્યો પરંતુ મારી પત્ની મને ક્્યાંય ન મળી.
આ વિસ્તારમાં રહેતા એક સ્થાનિક પડધરી તાલુકાના થોરીયાળી ગામના સરપંચ મનોજ પેઢડિયાએ જણાવ્યું હતું કે, અહીં કોપર ગ્રીન સોસાયટીની બાજુમાં અવાવરું જગ્યા આવેલી છે ત્યાં સ્ટ્રીટ લાઈટ નથી અને સીસીટીવી પણ નથી. આ રસ્તા પર દરરોજ યુવાનો રસ્તા વચ્ચે કેક કાપી બર્થડે ઉજવે છે અને કોઈ તેમને કંઈ કહે તો ઝઘડો કરે છે.
