ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ
અમદાવાદ, અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં શરૂ કરવામાં આવ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષાેથી થયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી સોમાવારે સવારથી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ ૧૦૦૦થી વધુ લોકો દબાણ કરીને ત્યાં ગેરકાયદે રહે છે. એએમસી દ્વારા ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે ૫૦૦ જેટલા મ્યુનિસિપલ કોર્પાેરેશનના કર્મચારી અને મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે.
દબાણ દૂર કરવા માટે ૨૦ જેટલા જેસીબી મશીન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
૨૯ એપ્રિલથી શરૂ થયેલી આ કામગીરી પહેલાં આ વિસ્તારમાંથી ૮૦૦થી વધુ જેટલા શંકાસ્પદ (ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી)ની અટકાયત કરવામાં આવી હતી.બે ફેઝમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે ૪૦થી ૫૦ બુલડોઝર અને ૪૦થી વધુ ડમ્પરના ઉપયોગથી દબાણ સાફ કરવામાં આવ્યા હતા.
જેમાં ઘરો સિવાય અનેક ગેરકાયદે ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. ફેઝ-૧માં ૪,૦૦૦ કાચા-પાકા બાંધકામ દૂર કરી ૧.૫૦ લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. તો ૨૦ મે, ૨૦૨૫એ ફેઝ-૨માં ૮,૫૦૦ કાચા-પાકા બાંધકામ દૂર કરી કુલ ૨.૫૦ લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી.SS1MS
