કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે
નવી દિલ્હી, કેનેડા બિલ સી-૩ દ્વારા તેના નાગરિકતા કાયદાઓમાં મોટી ફેરબદલ કરશે. આ સુધારાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયનોને લાભ થવાની સંભાવના છે. ઈમિગ્રેશન મંત્રાલયે જાહેર કરેલા બિલનો હેતુ સીસ્ટમમાં લાંબા સમયથી રહેલી વિસંગતીમાં સુધારો કરવાનો તેમજ કેનેડાના નાગરિકતા માળખાને આધુનિક, વૈશ્વિક ગતિશીલ પરિવારોની વાસ્તવિકતા સાથે સુસંગત કરવાનો છે.
ઈમિગ્રેશન મંત્રી લેના મેટલેગે ડિયાબના જણાવ્યા અનુસાર આ કાયદો ગેરવાજબી રીતે બાકાત રહી ગયેલાને નાગરિકતા પાછી આપવા ઉપરાંત કેનેડિયન નાગરિકત્વની પ્રમાણિકતા અને સમાવિષ્ટતા ફરી સ્થાપિત કરશે.મુખ્ય સમસ્યા ૨૦૦૯માં રજૂ કરાયેલા પ્રથમ પેઢી મર્યાદામાંથી ઉદ્ભવી છે જેમાં કેનેડાની બહાર જન્મેલા અથવા દત્તક લેવાયેલા બાળકોને એ જ શરતે નાગરિકતા મળતી જેમના માતાપિતામાંથી કોઈપણ એકનો જન્મ કેનેડામાં થયો હોય અથવા તે ત્યાંના નાગરિક હોય. આ નિયમને કારણે અનેક લોકો લોસ્ટ કેનેડિયન્સ તરીકે ઓળખાવા લાગ્યા.
તેમના મતે તેઓ નાગરિક તો હતા પણ તેમને કાનૂનની માન્યતા નહોતી મળી. ડિસેમ્બર ૨૦૨૩માં ઓન્ટેરિયો સુપીરીયર કોર્ટે ચૂકાદો આપ્યો કે આ જોગવાઈ ગેરબંધારણીય છે.
સરકારે ચૂકાદાનો સ્વીકાર કર્યાે અને તેની સામે અપીલ ન કરવાનો નિર્ણય કરીને ન્યાયપૂર્ણ અને વ્યવહારુ સીસ્ટમની જરૂર હોવાનું માન્ય કર્યું.બિલ સી-૩ અસરગ્રસ્તોને નાગરિકતા આપીને આ ખામી સુધારવા માગે છે અને નવી નોંધપાત્ર જોડાણ પરીક્ષણ રજૂ કરે છે.
આ નિયમ હેઠળ વિદેશમાં જન્મેલા કેનેડિયન વાલીએ બાળકના જન્મ અથવા દત્તક લેવા પહેલા ૧૦૯૫ સંચિત દિવસ અથવા ત્રણ વર્ષ કેનેડામાં પસાર કર્યા હોય, તેમના બાળકો કેનેડાની નાગરિકતા મેળવી શકશે.
આ અભિગમ અમેરિકા, યુ.કે. અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નાગરિકતા નીતિ સમાન હોવાથી કેનેડા આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાય તે સુનિશ્ચિત કરાશે.કેનેડાની કોર્ટે આ ફેરફાર લાગુ કરવા માટે જાન્યુઆરી ૨૦૨૬ની સમયસીમા નક્કી કરી છે. ઈમિગ્રેશન વકીલોના મતે આ પ્રક્રિયા શરૂ થતા જ નાગરિકતાના આવેદનમાં ઝડપી વધારો થશે.
કેનેડિયન ઈમિગ્રેશન લોઅર્સ એસોસિયેશન (સીઆઈએલએ)એ પણ આ સુધારાનું સ્વાગત કર્યું છે.કેનેડાના ૧૯૪૭ નાગરિકતા કાયદામાં અનેક એવા નિયમ હતા જેના કારણે ઘણા લોકો પોતાની નાગરિકતા ખોઈ બેઠા હતા અથવા તેને પ્રમાણિત નહોતા કરી શક્યા. ૨૦૦૯ અને ૨૦૧૫માં કેટલાક સુધારા કરાયા હતા અને લગભગ વીસ હજાર લોકો પોતાની નાગરિકતા પાછી મેળવી શક્યા હતા.SS1MS
