લગ્નમાં મહેમાન બની આવેલા ચોરે ૪.૩૪ લાખની મત્તા સેરવી
અમદાવાદ, વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા એક લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે. મહેમાન બનીને આવેલા ચોરે પાર્ટી પ્લોટમાં સોફા પર સોનાના દાગીના અને રોકડ સહિત રૂ. ૪.૩૪ લાખની મતા ભરેલું પર્સ ૨૦ જ મિનિટમાં ચોરી કર્યું હતું.
સોલા હાઇકોર્ટ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી અને પ્રસંગના વીડિયો ફુટેજ આધારે તપાસ શરૂ કરી છે.ઘોડાસરમાં રહેતા મનિષાબેન પંચાલના ભાઇના દીકરાના ગત તા.૨૨મીએ લગ્ન હતા. મનીષાબેનના ભાઇ મયંકભાઇના પુત્ર અભીના લગ્ન પ્રસંગનું આયોજન એસ.પી. રિંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું. મનિષાબેન તેમના પરિવારજનો સાથે પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા.
લગ્ન પ્રસંગ દરમિયાન મનિષાબેને દાગીના અને રોકડા ભરેલું પર્સ એક સોફા પર રાખીને બાથરૂમ ગયા હતા. આશરે વીસેક મિનિટમાં તે પરત આવ્યા ત્યારે સોફા પરથી પર્સ ગાયબ હતું. જેથી આસપાસમાં શોધખોળ કરવા છતાંય પર્સ મળી આવ્યું નહોતુ. પર્સમાં ૩.૧૨ લાખના ૬૨.૫ ગ્રામ સોનાના દાગીના, રોકડા ૨૨ હજાર અને એક લાખની મતાના બે ફોન હતા.
આમ, કુલ રૂ. ૪.૩૪ લાખની મતા ભરેલું પર્સ મહેમાનના સ્વાંગમાં આવેલો ચોર ચોરી ગયો હોવાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી પાર્ટી પ્લોટના સીસીટીવી અને લગ્ન પ્રસંગના વીડિયો ફુટેજ આધારે ચોર સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.SS1MS
