Western Times News

Gujarati News

GUના પત્રકારત્વ વિભાગની ત્રીજા સેમ.ની પરીક્ષામાં ભૂલથી બીજા દિવસની પરીક્ષાનું મીડિયા રિસર્ચનું પેપર અપાયું

પ્રતિકાત્મક

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો આજનું પેપર ગઈકાલે જ આપી દીધું

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં સરકારી પરીક્ષાથી લઈને યુનિવર્સિટીની પરીક્ષામાં અવાર-નવાર મોટા છબરડાના સમાચારો સામે આવતા હોય છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગની ત્રીજા સેમેસ્ટરની ૨૪ નવેમ્બર, સોમવારના રોજ આયોજિત પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૨૫ નવેમ્બરની પરીક્ષાનું પ્રશ્નપત્ર વહેંચી દેવામાં આવ્યું હતું. આમ, પરીક્ષામાં બીજા જ કોઈ વિષયનું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા અને યુનિવર્સિટીના સંચાલકોની બેદરકારીનો વિરોધ પણ કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ૨૪ નવેમ્બર, સોમવારના રોજ ત્રીજા સેમેસ્ટરની મીડિયા રિસર્ચની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૨૫ નવેમ્બરે યોજાનારી સ્ટડી ઓફ ગ્રેડ્‌સની પરીક્ષાનું પ્રશ્નપત્ર આપી દેવાયું હતું. આમ, પરીક્ષામાં બીજા જ કોઈ વિષયનું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. આ ગરબડ દરમિયાન તંત્ર અડધો કલાક સુધી કોઈ નક્કર નિર્ણય લઈ ન શક્યા હતા.

ત્યાર પછી અગાઉનું પ્રશ્નપત્ર લઈને તેમને મીડિયા રિસર્ચનું પેપર અપાયું હતું. આ કારણસર વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી કરવા માટે એક કલાકનો વધુ સમય અપાયો હતો. જોકે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સંચાલકો સામે આવા છબરડાને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી હતી.

આ ઘટના અંગે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા પણ વિરોધ કરાયો હતો. NSUI ના નેતાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઘણી વાર પરીક્ષામાં કૌભાંડો બહાર આવે છે. થોડા દિવસ પહેલાં જીટીયુ યુનિવર્સિટીમાં કોપી પેસ્ટ પેપર આવ્યું હતું.

હવે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ભૂલથી આવતીકાલની પરીક્ષાનું મીડિયા રિસર્ચનું પેપર પૂછી લીધું. વિદ્યાર્થીઓએ પેપર હાથમાં આવ્યું ત્યારે જોયું કે, આ તો આવતીકાલનું પેપર છે. વિદ્યાર્થીઓએ આ વિશે જાણ કરી તો સત્તાધીશો ઊંઘમાં હોય તેવું લાગ્યું. ત્યારબાદ અડધો કલાક પછી તેઓ આજની પરીક્ષાનું પેપર લઈને આવ્યા. ત્યાર પછી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે, તમને પેપર લખવા માટે એક કલાકનો વધુ સમય આપવામાં આવશે.

આ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, પરીક્ષા નિયામકની જવાબદારી હોય છે કે, પેપર સેટ કઈ રીતે થયા છે? પેપર સેટ થયું છે કે નથી થયું? પરંતુ, પરીક્ષા નિયામક ખાલી નાસ્તો કરવામાં વ્યસ્ત હોય છે એમને બીજુ કોઈ ધ્યાન જ હોતું નથી. આવા છબરડા ક્યારે ચલાવી લેવાય જ નહીં. પરીક્ષા નિયામક સામે કુલપતિને કોઈક એક્શન લેવા પડશે. જો એવું નહીં થાય તો NSUI ઉગ્ર આંદોલન કરશે.

આ છબરડા મામલે પરીક્ષા નિયામક કલ્પેનભાઈ વોરાએ જણાવ્યું કે, આજે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ૫૦૨ નંબરના વિષયની પરીક્ષા હતી, જેનું નામ મીડિયા રિસર્ચ છે. જો કે, મીડિયા રિસર્ચના બદલે સ્ટડી ઓફ ધ ગ્રેડ્‌સનું પ્રશ્નપત્ર અપાઈ ગયું, જે ૫૦૩ નંબરનો વિષય છે. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા કરીને રાબેતા મુજબનું મીડિયા રિસર્ચનું પ્રશ્નપત્ર પહોંચતું કર્યું હતું. આ માટે વિદ્યાર્થીઓને વધારાના સમયની જરૂર હોય તો, તે સમય આપવા પણ સૂચના અપાઈ હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક સુધારાઈ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિ અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કેઅમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ-MMCJની પરીક્ષા ચાલી રહી છે. આજે પત્રકારત્વ કોર્સની ૫૦૨ નંબરના વિષયની પરીક્ષા હતી. પેપર સેટર દ્વારા ભૂલથી ૫૦૨ના કવરમાં ૫૦૩ નંબરનું પ્રશ્નપત્ર સીલ કરવામાં આવ્યું હતું.

પરીક્ષા દરમિયાન સીલ કવર તોડતા વિષય ૫૦૩નું પ્રશ્નપત્ર નીકળ્યું હતું. જેથી વર્ગ નિરીક્ષકને ભૂલ સમજાતા આ પેપર તાત્કાલિક પરીક્ષા ખંડમાં જ બદલીને ૫૦૨ નંબરનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ બદલ વિદ્યાર્થીઓને ૨૦ મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો.

વધુમાંશિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કેઆવતીકાલે પરીક્ષા આપનારા આ ૩૫ વિદ્યાર્થીઓને ૫૦૩ નંબરના વિષયનું નવું પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમજ પેપર સેટરને મેમો આપીને વધુ ખુલાસો કરવા પણ જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.