ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથેની મૈત્રી યુવતીને ભારે પડીઃ FD તોડી નાણાં આપ્યા
AI Image
યુવતીને ફસાવી ફોટા વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા
(એજન્સી) અમદાવાદ, અમદાવાદના ડ્રાઇવ-ઇન સિનેમા રોડ નજીક આવેલી જે. જી. યુનિવર્સિટીમાં BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક ૨૧ વર્ષીય વિદ્યાર્થિની બ્લેકમેઇલિંગનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે.
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને કરણ શાહ નામના યુવકે હોટલમાં સાથે પાડેલા અંગત ફોટા અને સંબંધો જાહેર કરવાની ધમકી આપીને વિદ્યાર્થિની પાસેથી ટુકડે-ટુકડે ૨ લાખથી વધુની રકમ પડાવી લીધા હતા. આ ઉપરાંત, શખસે વીડિયો કોલ પર અશ્લીલ હરકતો કરીને વિદ્યાર્થિની પાસેથી જાતીય માંગણી પણ કરી હતી.
મળતી માહિતી મુજબ, પીડિત વિદ્યાર્થિની હાલમાં પી.જી.માં રહીને અભ્યાસ કરે છે. તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગભગ છ મહિના પહેલાં તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પર કરણ શાહ નામના શખસની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે તેણે સ્વીકારી હતી. કરણ શાહે પોતાની ઓળખમાં પાલ ગામ, સુરતનો રહેવાસી અને અદાણી પોર્ટમાં ઊંચા પગારની નોકરી કરતા હોવાનું કહ્યું હતું. પોતે જૂનાગઢનો હોવાનું જણાવી વિદ્યાર્થિનીનો વિશ્વાસ કેળવ્યો હતો.
શરૂઆતમાં તેમની વચ્ચે મેસેજ અને પછી ટેલિફોનિક વાતચીત શરૂ થઈ હતી. મે મહિનામાં તેઓ અમદાવાદના એક મોલ ખાતે રૂબરૂ મળ્યા હતા. બાદમાં કરણે તેને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું અને તેની માતા સાથે પણ વાત કરાવી હતી.
વિશ્વાસ કેળવાયા બાદ કરણે પૈસાની માંગણી કરવાનું શરૂ કર્યું. તેણે પોતાનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હોવાનું જણાવી હપ્તો ભરવા માટે મદદ માંગી, જેથી વિદ્યાર્થિનીએ સૌપ્રથમ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૧૦,૦૦૦ ટ્રાન્સફર કર્યાં હતા. આ પછી તેઓ નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કરણ શાહે તેના મોબાઇલમાં બંનેના સાથેના અંગત ફોટા પાડ્યા હતા.
આ જ ફોટાનો ઉપયોગ કરીને કરણે બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. જૂન માસમાં કરણે વિદ્યાર્થિનીને ધમકી આપી કે, જો તે તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરે, તો તેઓએ સાથે પાડેલા ફોટોગ્રાફ્સ વાઈરલ કરી દેશે. આ ડરના કારણે વિદ્યાર્થિનીએ પોતાની બહેનપણીઓ પાસેથી ઉછીના લઈને અને પોતાની બેંક એફ.ડી. તોડીને ટુકડે-ટુકડે કરણ શાહને પૈસા મોકલ્યા હતા.
જ્યારે પૈસા આપવાનું બંધ કર્યું, ત્યારે કરણે તેને બ્લેકમેઇલ કરીને ધમકી આપી કે તે તેમના હોટલમાં મળ્યાની હકીકત તેના પિતાને જણાવી દેશે. જેને લીધે વિદ્યાર્થિનીએ છેવટે પોતાની સોનાની વીંટી અને બુટ્ટી વેચીને પણ આશરે ૨૫,૦૦૦ રૂપિયા કરણને આપ્યા હતા. આમ, કરણે ટુકડે-ટુકડે કુલ ૨,૮૬,૪૦૦ રૂપિયા પડાવી લીધા હતા.
આર્થિક શોષણ ઉપરાંત, કરણે વિદ્યાર્થિનીને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો અને તેને પોતાના કપડાં ઉતારીને જાતીય સંબંધની માંગણી કરી હતી. આ સમયે પણ તેણે વધુ પૈસા નાખવા માટે દબાણ કર્યું હતું અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. આખરે, પૈસાની માંગણી હદ વટાવી દેતા, પીડિતાએ તેના માતા-પિતાને સમગ્ર વિગત જણાવી હતી. આ પછી વિદ્યાર્થિનીએ તેના પિતા સાથે પોલીસ સ્ટેશને આવીને કરણ શાહ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કરણ શાહ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
