રોડ પરથી સિમકાર્ડ કઢાવવું ભારે પડશેઃ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
AI Image
આરોપી આ સિમકાડ્ર્સને રૂ. ૧૨૦૦થી રૂ. ૧૫૦૦ના કમિશને ભારત બહાર દુબઇ થઈને કંબોડિયા ખાતે મોકલી આપતો હતો, જ્યાં તેનો ઉપયોગ ભારતીયોને છેતરવા માટે થતો હતો.
અમદાવાદમાંથી ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય કરતા એજન્ટો ઝડપાયા
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક ભારતીય નાગરિકોના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ જેવા સંવેદનશીલ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઇશ્યુ કરતું હતું. આ
સિમકાર્ડનો ઉપયોગ ખાસ કરીને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડ આચરતા દુબઈ અને કંબોડિયા સ્થિત કોલસેન્ટરો દ્વારા કરવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ગેંગ સામાન્ય ગ્રાહકોના વિશ્વાસનો ભંગ કરીને સમગ્ર કૌભાંડ આચરતી હતી.
રોડ પર સિમકાર્ડ કઢાવવા કે ટ્રાન્સફર કરાવવા બેસતા ‘છત્રીવાળા’ એજન્ટો ગ્રાહકોને સર્વર ડાઉન થવાની ખોટી વાત કરીને તેમની પાસેથી ડોક્યુમેન્ટ મેળવતા. ગ્રાહકની જાણ બહાર, તેમના ડોક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને નવું ગેરકાયદેસર સિમકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવતું હતું. આ પ્રકારે ઇશ્યુ થયેલા સિમકાર્ડનો ઉપયોગ ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડમાં થયો હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસ તપાસમાં સિમકાર્ડ સપ્લાયનું એક કમિશન આધારિત સ્તરબદ્ધ નેટવર્ક સામે આવ્યું છે, જેનું એક ખાસ કમિશનનું માળખું હતું. જેમાં આરોપી એજન્ટ ગ્રાહકના નામે સિમકાર્ડ ઇશ્યુ કરીને રૂ. ૪૦૦ના કમિશને આરોપી-૨ને આપતો હતો. બીજો આરોપી તે સિમકાડ્ર્સને રૂ. ૭૦૦ના કમિશને ત્રીજા આરોપીને આપતો હતો.
અંતે, ત્રીજો આરોપી આ સિમકાડ્ર્સને રૂ. ૧૨૦૦થી રૂ. ૧૫૦૦ના કમિશને ભારત બહાર દુબઇ થઈને કંબોડિયા ખાતે મોકલી આપતો હતો, જ્યાં તેનો ઉપયોગ ભારતીયોને છેતરવા માટે થતો હતો.
સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદ, રાધનપુર, પાટણ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૨૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
