અમરનાથ યાત્રા શરૂ : ૨૨૩૪ શ્રદ્ધાળુ દર્શન માટે રવાના થયા
જમ્મુ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે વાર્ષિક અમરનાથ યાત્રા આજે સઘન સુરક્ષા વચ્ચે શરૂ થઇ હતી. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે સવારમાં ૨૨૩૪ શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો કેમ્પથી રવાના કરવામા ંઆવ્યો હતો. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓનુ જુદી જુદી જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ૯૩ વાહનોમાં ૨૨૩૪ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ગુફા સુધી જવા માટે બે રસ્તા છે.
જે પૈકી પહેલગામથી ૧૩૦ મહિલાઓ, સાત બાળકો અને ૪૫ સંતો સહિત ૧૨૨૮ શ્રદ્ધાળુઓ રવાના થયા છે. બાલટાળથી ૨૦૩ મહિલાઓ અને ૧૦ બાળકો સહિત ૧૦૦૬ શ્રદ્ધાળુઓ રવાના થયા છે. વિમાની માર્ગે, ટ્રેન મારફતે પણ પહોંચી શકાય છે. પહેલગામ અથવા બાલતાલ સુધી કોઈપણ વાહનથી પહોંચી શકાય છે પરંતુ ત્યારબાદ ચાલતા જવાનું હોય છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે.
આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે
પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલગામ અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ તરીકે છે. ત્યાંથી અમરનાથની પવિત્ર યાત્રા ચાલતા શરૂ થાય છે.
આ ઉપરાંત બાલતાલથી પણ બીજા રસ્તો અમરનાથ ગુફા માટે હોય છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ યાત્રાને લઈને સરકારની ગંભીરતાનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે આ વખતે અમરનાથ યાત્રા પહેલા નવી સરકારમાં ગૃહમંત્રી બનેલા અમિત શાહ તૈયારીઓ અને સુરક્ષા પાસાની સમીક્ષા કરી ચુક્યા છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે.
આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રામાં પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા અંગે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું છે કે, હાઈવે, જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાતી રહેશે. સીઆરપીએફ, પોલીસ, ક્વિક રિએક્શન ટીમ, મોટર વ્હીકલ ચેકપોસ્ટ અને અન્ય ટીમો રહેશે. બેઝ કેમ્પ ખાતે ૨૦૦ સીસીટીવી વાહનો ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાહનો ઉપર સેટેલાઇટની મદદથી શોધી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રીઓના વાહન ઉપર આરઆઈએફડી ચીપ મુકવામાં આવી છે જેને સંબંધિત કન્ટ્રોલરુમ સાથે રડાર કનેક્ટેડ કરવામાં આવ્યું છે. સમય પૂર્ણ થયા બાદ કોઇપણ વાહનને આગળ જવાની મંજુરી અપાશે નહીં. ૧૦મી જુલાઈ ૨૦૧૭ના દિવસે તોઇબાના ત્રાસવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ ઉપર દક્ષિણ કાશ્મીરમાં હુમલો કર્યો હતો જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ વખતે કોઇ ત્રાસવાદી સંગઠને ધમકી આપી નથી પરંતુ ત્રાસવાદીઓ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા હંમેશા પ્રયાસ કરતા રહે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારના દિવસે સુરક્ષા પાસાઓની સમીક્ષા કરી હતી. શ્રદ્ધાળુઓને શાંતિ, સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ માહોલ ઉપલબ્ધ કરાવવા સેના, પોલીસ, સીઆરપીએફની ટુકડીઓ ગોઠવવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા ખાસ પગલા લેવાયા છે. વિતેલા વર્ષોમાં નૂનવાન, પહેલગામ, શેષનાગમાં ત્રાસવાદી હુમલા થઇ ચુક્યા છે. આ વખતે અતિઆધુનિક સાધનોથી સજ્જ ૪૦ હજાર સુરક્ષા કર્મી તૈનાત કરાયા છે. અમરનાથના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે.