જસ્ટિસ સૂર્યકાંત ૫૩મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ ૧૭ કેસ સાંભળ્યા
નવી દિલ્હી, સોમવારે દેશના ૫૩માં મુખ્ય ન્યાયાધીશના પદ પર જસ્ટિસ સૂર્યકાંતે શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગેરેની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય ન્યાયાધીશના પદે જસ્ટિસ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા હતા.
તેઓ મુખ્ય ન્યાયાધીશનું પદ ૧૫ મહિના સુધી સંભાળશે. શપથ ગ્રહણ કર્યાના પ્રથમ જ દિવસે તેમણે બે કલાકમાં જ ૧૭ મામલાઓની સુનાવણી કરી હતી.
સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે જસ્ટિસ સૂર્યકાંતે હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા, શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.
બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શપથ ગ્રહણ સમારોહની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, રવિવારે મુખ્ય ન્યાયાધીશના પદેથી નિવૃત્ત થયેલા જસ્ટિસ બી. આર. ગવઇ પણ હાજર રહ્યા હતા.
હરિયાણાના હિસારમાં મધ્યમ વર્ગના પરિવારમાં ૧૯૬૨માં જન્મેલા જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે મહત્વના ચુકાદાઓમાં સામેલ રહ્યા છે જેમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવી, બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા, લોકશાહીના મુદ્દાઓથી લઇને મહિલા સરપંચ સામે લિંગભેદ વગેરેનો સમાવેશ થાય છે.
મુખ્ય ન્યાયાધીશના પદે શપથ ગ્રહણ કર્યા બાદ જસ્ટિસ સૂર્યકાંતે પ્રથમ દિવસે જ માત્ર બે જ કલાકમાં ૧૭ મામલાઓની સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ તરીકેની તેમની બેંચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી, જસ્ટિસ અતુલ એસ ચંદુકર સામેલ રહ્યા હતા.SS1MS
