રણની સીમા પાસેથી વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું
નવી દિલ્હી, કચ્છના રાપરમાં વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. રાપરના કુડા પાસેની રણ સીમામાંથી ઝડપાયેલા પાકિસ્તાની યુગલને બીએસએફએ બાલાસર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, આશરે દોઢ માસ પહેલા ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાની યુગલ ઝડપાયું હતું. બાલાસર પોલીસે વધુ એક ઝડપાયેલા પાકિસ્તાની યુગલની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છના રાપરમાં બોર્ડર સિક્યોરીટી ફોર્સને બાલાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુડા નજીકથી પાકિસ્તાની યુગલ પકડાયું છે. જેમાં ૨૪ વર્ષીય યુવકનું નામ પોપટ નથ્થુ અને ૨૦ વર્ષીય યુવતીનું નામ ગૌરી ઉર્ફે ગુલાબ મુંગરીયો હોવાનું સામે આવ્યું છે. ‘પોપટ-ગૌરી’ બંને સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે.
બીએસએફ બંને યુગલને બાલાસર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, ગત ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાનની યુગલ રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામે પહોંચી આવ્યા હતા.
પાકિસ્તાની યુગલ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંનેને ખડીર પોલીસના હવાલે કરાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ સગીર અને એકબીજાને પ્રેમ કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં યુગલના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા.
જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ)ની ઉંમર ૨૦ વર્ષથી વધુ અને મીના ઉર્ફે પુજા કરશન ચૂડીની ઉંમર ૧૮થી ૨૦ વર્ષની અંદરમાં હોવાનું જણાય છે. પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે ૧ મહિનો અને ૧૦ દિવસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.SS1MS
