Western Times News

Gujarati News

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઈક! ૯ બાળકો સહિત ૧૦ના મોત

File

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પરિણામે સરહદ પર તણાવ ફરી વધ્યો છે. અફઘાન તાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિદે માહિતી આપી હતી કે મોડી રાત્રે પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૯ બાળકો અને ૧ મહિલા સહિત કુલ ૧૦ લોકોનાં મોત થયાં છે.

મૃતકોમાં ૫ છોકરાઓ અને ૪ છોકરીઓનો સમાવેશ થાય છે. મુજાહિદના જણાવ્યા મુજબ, આ હુમલો રાત્રે ૧૨ વાગ્યે ગેરબઝવો જિલ્લામાં સ્થાનિક નિવાસી વિલાયત ખાનના ઘર પર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું આખું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું.

તાલિબાની નેતા જબિહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ખોસ્ત સિવાય કુનર અને પક્તિકા પ્રાંતોમાં પણ હવાઈ હુમલા કર્યા હતા, જેના પરિણામે ૪ નાગરિકો ઘાયલ થયા છે.

આ ઘટના સાથે સંબંધિત તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી, જેમાં ધ્વસ્ત થયેલા ઘરનો કાટમાળ અને મૃત બાળકોના મૃતદેહો સ્પષ્ટપણે દેખાય છે.

આ ઘટના અંગે પાકિસ્તાનની સેના કે વિદેશ મંત્રાલય તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. આ બામ્બમારો એવા સંજોગોમાં થયો છે જ્યારે એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના પેશાવરમાં બે આત્મઘાતી હુમલા થયા હતા, જેમાં ત્રણ અર્ધસૈનિક કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતાં. પાકિસ્તાની અધિકારીઓએ આ હુમલાઓ માટે અફઘાન સરહદની અંદર છુપાયેલા હોવાનો આરોપ મૂકાયેલા આતંકવાદી તત્વોને જવાબદાર ગણાવ્યા હતા.

છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશો વચ્ચેનો તણાવ સતત વધ્યો છે. ઓક્ટોબરમાં પાકિસ્તાની અને અફઘાન સૈનિકો વચ્ચે થયેલી અથડામણોમાં ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.