બોડકદેવમાં ફાયરિંગ કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ ઉજ્જૈનથી ઝડપાયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે મહિના પહેલા બોડકદેવ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કાંડના મુખ્ય બે આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર અને તેમના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કર છે.
મળતી માહિતી મુજબ, ગત ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ફરિયાદી સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કર પર શીલજ સર્કલ નજીક ફાયરિંગ થયું હતું. મૌલિકભાઈએ ઘરગથ્થુ ઝઘડાના મુદ્દે ફરિયાદીની ઉપર રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાંથી એક ગોળી ફરિયાદીના પેટમાં વાગી હતી. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. નાસતા ફરતા બંને આરોપીઓની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવી હતી.
બંને આરોપીઓ ઉજ્જૈનના મહાકાલ અને હરસિધ્ધી મંદિરે સતત દર્શન કરવા આવતા હતા. આ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉજ્જૈન પહોંચી તેઓને હરસિધ્ધી મંદિર નજીકથી ઝડપી લાવી અમદાવાદ લઇ આવી હતી.
પકડાયેલા મૌલિકભાઈની પાસે પરથી ગુનામાં ઉપયોગ કરાયેલા રિવોલ્વર, ૧૦ જીવતા કાર્ટીઝ અને ૨ ફાયર થયેલ કાર્ટીઝના ખોખા મળ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે કુલ એક રિવોલ્વર, બે મોબાઇલ ફોન અને ગોળીઓનો જથ્થો કબજે કર્યો છે.
પૂછપરછમાં બંને આરોપીઓએ ખુલાસો કર્યો કે ઘટના બાદ તેઓ આધોઇ અને સામખીયારી ખાતેના ધર્મશાળામાં સાત દિવસ રોકાયા હતા. ત્યારબાદ ઉજ્જૈન, મુંબઈ અને ફરી ઉજ્જૈન જેવા સ્થળોએ અલગ-અલગ સમયગાળા માટે છુપાયેલા હતા.
