અમરેલીનાં ભામાશા સ્વ. ઈન્દુબેન સંઘવીને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અંજલિ અર્પણ કરાઈ
અમરેલી, અમરેલીના ભામાશા સન્નારી ઈન્દુબેન નગીનદાસ સંઘવીનું ૯૩ વર્ષની વયે અવસાન થયું. ગર્ભસીમંત હોવા છતાં તેઓએ જીવનમાં અનેક પડકારોનો સામનો કરી પુરૂષાર્થ અને દ્રષ્ટિપૂર્વકના આયોજનથી શિક્ષણ ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી.
મુંબઈની પ્રતિષ્ઠિત હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક અને પછી આચાર્ય તરીકે શ્રેષ્ઠ કામ કરી નિવૃત્ત થયા. અમરેલીની મણિનગર સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યા ભારતી ટ્રસ્ટ રૂપાયતન સંચાલિત નગીનદાસ સંઘવી પ્રાથમિક શાળાના નિર્માણમાં તેમના પરિવારનો ફાળો હતો.
ઈન્દુબેન આ સંસ્થાના પ્રારંભથી શુભેચ્છ હતા. સંસ્થા સાથે તેમનો સંબંધ છેક ૧૯૮પથી બંધાયેલ છે. તેમણે તથા તેમના પરિવારે વખતો વખત સંસ્થાને સહાય કરી છે. નગીનદાસ દેવશી સંઘવી રૂપાયતન પ્રાથમિક શાળાનું મકાન સંપૂર્ણપણે તેમના પરિવારના દાનથી બનેલ છે.
દિવંગત લક્ષ્મીદાસભાઈ સંઘવી અને ઈન્દુબેન મણિનગર વિસ્તારમાં આવેલી આ સંસ્થામાં નિયમિત આવતા અને મેદાનમાં વૃક્ષો પણ વાવતા. આ સિવાય પણ તેમણે સંસ્થાને ઘણી મદદ કરી છે.
આ ઉપરાંત અમરેલીનાં મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, જયાલક્ષ્મી બાલમંદિર, રાધિકા હોસ્પિટલ, પાંજરાપોળ ગૌશાળા, અંધશાળા અને બહેરા-મુંગા શાળા સહિત અનેક સંસ્થાઓને મદદ કરી છે.
જીવનના છેલ્લા ત્રણ દાયકામાં તેઓએ વંચિત વર્ગ માટે પોતાના જીવનને સમર્પિત કર્યું હતું. આદિવાસી વિસ્તાર, મોડાસા હોસ્પિટલ અને વાત્રકની હોસ્પિટલમાં તેમણે મોટુ દાન આપેલું. આ વાત્રકની હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા.
અમરેલીમાં તમામ સંસ્થાઓના સહયોગથી યોજાયેલી પ્રાર્થના સભામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા ભારતી ટ્રસ્ટ, રૂપાયતન, પાંજરાપોળ ગૌશાળા, અમરેલી, અંધજન તાલીમ કેન્દ્ર, મંદબુદ્ધિ છાત્રાલય અને ટ્રેનિંગ સંકુલ, બહેરા મૂંગા શાળા, દીપક હાઈસ્કૂલ એન.ડી. સંઘવી પ્રાથમિક શાળા વગેરે સંસ્થા દ્વારા અંજલિ અર્પણ કરવામાં આવી.
રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી કેળવણીકાર રવજીભાઈ કાચા દ્વારા સ્વ. ઈન્દુબેન સંઘવીનો અમરેલી સાથેના અતિશય લગાવના નાતાની અને તેમના દ્વારા અમરેલીની જુદી જુદી સંસ્થાઓને ઉદાર હાથે મળેલી સખાવતની વાત કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટી દિલીપભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું. તેમ આચાર્ય ડો. અમિતભાઈ ઉપાધ્યાયની યાદી જણાવે છે.
