ભોપાલમાં યોજાયેલ રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝઘડિયાની નવા ટોઠીદરા પ્રા.શાળાની કૃતિ આકર્ષણનું કેન્દ્ર
(પ્રતિનિધિ) ભરૂચ, એમ.પીના ભોપાલમાં ૫૨ મો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫ તારીખ ૧૮/૧૧/૨૦૨૫ થી ૨૩/૧૧/૨૦૨૫ દરમ્યાન યોજાયો હતો.જેમાં સમગ્ર ભારત માંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા.ગુજરાત માંથી કુલ ૮ કૃતિ પસંદ થઈ હતી.
જેમાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદરા દ્વારા સ્માર્ટ ઈલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું.
જેમાં લાઈટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઈટ અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલા થી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે,બીજા પોલ પર જી.પી.એસ સિસ્ટમ લગાવેલી હતી જયારે થાંભલો તૂટે તો તેની જાણ જી.ઈ.બી ને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે.
જેમાં શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જૈનિલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.આ કૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રોજેકટની ખૂબ સરાહના પણ કરી હતી.તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રોજેકટને મદદ અને સહકાર આપનાર શાળાનો સ્ટાફ, ગૃપાચાર્ય, સી.આર.સી,બી.આર.સી, તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણાધિકારી,ડાયટ પરિવાર, તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષક સંધ પરિવારનો આચાર્ય દિલીપ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા પ્રગટ કરાઈ હતી.
