Western Times News

Gujarati News

અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ

અહીં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

અમદાવાદ, અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.  અમદાવાદના ગીચ ગણાતા ઘી કાંટા વિસ્તારમાં આગની એક મોટી ઘટના સામે આવી છે. અહીં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘી કાંટા વિસ્તારમાં આવેલી પંચભાઈની પોળમાં એક કાપડની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

Ahmedabad – Fire Brigade personal dosing the fire that breakout in three story Residence and commercial building at Gheekanta area of old city in Ahmedabad on Tuesday, November 25, 2025

આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ૪ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાંકડી પોળ અને ગીચ વિસ્તાર હોવા છતાં ફાયરની ટીમે આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી.

ભરચક વિસ્તારમાં આગ લાગવાને કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

કાપડની દુકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે બુઝાવવાની છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.