Western Times News

Gujarati News

પરિવાર નવા મકાનનું વાસ્તુ હતું ત્યાં ગયા અને જૂના ઘરમાં ચોરી થઈ

અમદાવાદમાં શિયાળો શરૂ થતાં તસ્કરોનો તરખાટ, દરિયાપુર અને નાના ચિલોડામાં ચોરી

(એજન્સી)અમદાવાદ, શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં તસ્કરોની ટોળકી સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોરીની ઘટનાઓનો વધી રહી છે. શહેરીજનો મોડી રાત્રે મીઠી નીંદર માણી રહ્યા હોય છે, ત્યારે તસ્કરો ચોરીને અંજામ આપવા મેદાનમાં ઉતરે છે. દરિયાપુર અને નાના ચિલોડા વિસ્તારમાં ચોરીના બે મોટા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં કુલ લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે.

દરિયાપુરના લુણસાવાડ વિસ્તારમાં રહેતા વેપારી નિરવ પ્રજાપતિના ઘરમાંથી ૨૩.૧૦ લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. નિરવ પ્રજાપતિએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. નિરવ પ્રજાપતિએ જગતપુર ગામ ખાતે નવા ફ્‌લેટની સ્કીમમાં મકાન ખરીદ્યું હતું, જેનું વાસ્તુપૂજન રવિવાર અને સોમવારના દિવસે રાખવામાં આવ્યું હતું. આ કારણે નિરવ પરિવાર સાથે જૂના દરિયાપુરના ઘરને તાળું મારીને નવા ફલેટમાં રહેવા ગયા હતા.

મંગળવારે બપોરે નિરવ જ્યારે દરિયાપુરવાળા ઘરે સામાન લેવા આવ્યા, ત્યારે ઘરની બારી ખુલ્લી જોઈ હતી. તેમની જલ્પાએ તપાસ કરતાં કબાટ ખુલ્લો હતો અને ડ્રોવરમાં રાખેલા રૂપિયા ૧૨ લાખ રોકડા ગાયબ હતા. વધુ તપાસમાં ૨૦૦ ગ્રામ સોનાની લગડી, સોનાના દાગીના તેમજ ચાંદીની લગડી સહિત કુલ ૨૩.૧૦ લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્‌યું હતું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દરિયાપુર ઉપરાંત, નાના ચિલોડા વિસ્તારમાં આવેલા પુષ્પક બંગ્લોઝમાં રહેતા પુનમ ઠાકોરના ઘરે પણ ચોરીની ઘટના બની છે. ઘરમાં રાખેલી તિજોરીનું લોક ખુલ્લું જોઈને તપાસ કરતાં પુનમની સોનાની ચેઈન, ચાંદીની પાયલ અને સોનાના ઝુમ્મર ગાયબ હતા. આ મામલે પુનમે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

શિયાળામાં ઠંડીને કારણે સિક્યોરિટી ગાડ્‌ર્સ અને લોકો વહેલા સુઈ જાય છે, જેનો લાભ તસ્કરો ઉઠાવે છે. ચોરીની ઘટનાઓને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસ એલર્ટ થઈ છે. પોલીસે શહેરભરમાં કોમ્બિંગ શરૂ કર્યું છે અને કાતિલ ઠંડીમાં મોડી રાત્રે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરવા ઉપરાંત, જેલમાંથી ચોરીના આરોપમાં છૂટેલા ચોરો પર પણ વોચ રાખી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.