Western Times News

Gujarati News

ગુજરાત SIR: 29-30 નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારમાં તાલુકા સ્તરે કેમ્પ યોજાશે

પ્રતિકાત્મક

ગુજરાત SIR: 29-30 નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારમાં તાલુકા સ્તરે કેમ્પ યોજાશે

રાજ્યભરના BLO ગણતરી ફોર્મના વિતરણ, ફોર્મ ભરવા તથા 2002ની યાદીમાંથી નામ શોધવામાં મદદ કરીને ફોર્મમાં ભરવાની થતી વિગતો બાબતે નાગરિકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

ગુજરાતભરમાં SIRની પુરજોર કામગીરી-સમગ્ર કામગીરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓથી લઈને BLO સુધીના સ્તરે જોવા મળતો સુમેળ અને સહકાર

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલવાનો છે. હાલમાં આ ઝુંબેશમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓથી માંડીને ચૂંટણીતંત્રના સૈનિકો સમાન BLO સુધીનું સમગ્ર ચૂંટણીતંત્ર સુમેળ અને સહકારની ભાવના સાથે નાગરિકોને મદદરૂપ બનવા માટે પ્રયાસરત છે.

રાજ્યભરના BLO ગણતરી ફોર્મના વિતરણ, ફોર્મ ભરવા તથા 2002ની યાદીમાંથી નામ શોધવામાં મદદ કરીને ફોર્મમાં ભરવાની થતી વિગતો બાબતે નાગરિકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં નાગરિકોને મદદરૂપ થવા માટે ખાસ કેમ્પનું પણ આયોજન કરવા પણ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુક્લાએ સુચના આપી છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 15 અને 16 નવેમ્બર તથા 22 અને 23 નવેમ્બર, 2025ના રોજ ખાસ કેમ્પો યોજવામાં આવ્યા હતા.

આ જ શૃંખલામાં હવે તા. 29 અને 30 નવેમ્બર 2025 એમ બે દિવસ માટે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને સુચના આપી છે.  આવા કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મતદારો પોતાના વિધાનસભા મતવિસ્તારની કચેરીએ ગણતરી ફોર્મ જમા કરાવી શકશે તથા 2002ની મતદાર યાદીમાં તેમના નામો શોધવા માટે મદદ પણ મળી રહેશે.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આ કેમ્પોમાં મહત્તમ લાભ મેળવીને ગણતરી ફોર્મ ભરીને સુપરત કરવા પણ નાગરિકોને અપીલ કરી છે. જેથી સમયમર્યાદામાં ગણતરી ફોર્મ જમા કરાવી નાગરિકો આગામી તા. 9 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ સુનિશ્ચિત કરાવી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.