Western Times News

Gujarati News

સ્વતંત્રતા સાથે ફરજ અને એકતા જોડાયેલાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, દેશભરમાં વિવિધ સ્થળે બંધારણ દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯થી ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું અને આ દિવસને ૨૦૧૫ના વર્ષથી બંધારણ દિવસ તરીકે ઉજવવમાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશવાસીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યુ હતું કે, સ્વતંત્રતાની સાથે ફરજ અને એકતા પણ જોડાયેલા છે.

પોતાની વ્યક્તિગત વાત કરતા વડાપ્રધાને કહ્યુ હતું કે, સાવ સાધારણ અને આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવેલી વ્યક્તિ ૨૪ વર્ષથી સરકારના વડા તરીકે સેવા આપી રહ્યો હોય તો તેનું કારણ માત્ર બંધારણ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંવિધાન સદનમાં બંધારણ દિવસની ઉજવણી દરમિયાન ભારતના બંધારણના ડિજિટલ સંસ્કરણનું નવ ભાષાઓમાં વિમોચન કર્યું હતું.જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલ ખાતે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, દેશની ઓળખ આપણું બંધારણ છે. સંસ્થાનવાદી માનસિકતામાંથી છુટકારો મેળવી રાષ્ટ્રવાદી વિચારધારા સ્વીકારવામાં બંધારણ માર્ગદર્શક છે. કરમસદ ખાતે રન ઓફ યુનિટી માર્ચના પ્રસ્થાન સમારોહમાં વડાપ્રધાનના રાષ્ટ્રજોગ પત્રનું વાચન કરવામાં આવ્યુ હતું.

તેમણે લખ્યુ હતું કે, સ્વતંત્રતાનો અર્થ માત્ર અધિકાર નથી, ફરજ અને એકતાનો ભાવ તેમાં વણાયેલો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ પ્રસંગે બંધારણમાં અપાયેલી ન્યાયની ખાતરી અંગે વાત કરતા કહ્યું હતું કે, ન્યાયની ખાતરી વગર સ્વતંત્રતા માત્ર નામ પૂરતી રહી જાય છે અને સામાન્ય લોકોના જીવનમાં બંધારણીય ખાતરીઓ ખોવાઈ જાય છે.

આમ છતાં અતિશય ખર્ચ, ભાષા, અંતર તથા વિલંબ જેવા કારણોસર છેવાડાના માનવી માટે ન્યાય મળવાનું અઘરું બની જાય છે.કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ તથા સંઘ પર બંધારણીય સિદ્ધાંતો પર હુમલા કરી તેને નબળું બનાવવાના આરોપ મૂક્યા હતા.

રાહુલે કહ્યું હતું કે, ગરીબો માટે બંધારણીય કવચ છે અને લોકોએ બંધારણ પર કોઈપણ પ્રકારના હુમલાનો મુકાબલો કરવાના સોગંદ લેવા જોઈએ. બંધારણ પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો પોતે પ્રથમ ઊભા રહેશે તેવો હુંકાર રાહુલે કર્યાે હતો.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, પરસ્પર ભાઈચારો, બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ જેવા મૂલ્યો ભારતની ઓળખ સમાન છે, પરંતુ ભાજપના શાસનમાં આ ઓળખ જોખમમાં મૂકાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.